તમિલનાડુના સત્તાધારી પક્ષ ડીએમકે નેતા દયાનિધિ મારને યુપી-બિહારના લોકો માટે અપમાનજક ટીપ્પણી કરતાં મોટો વિવાદ ઊભો થયો છે. મારને જણાવ્યું હતું કે તમિલનાડુમાં આવતા યુપી અને બિહારના હિન્દી ભાષીઓ લોકો બાંધકામ, શૌચાલયની સફાઈ જેવા મામૂલી કામો કરે છે. દયાનિધિ મારનની આ વીડિયો ક્લિપ શેર કરીને બીજેપી નેતાઓએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને જવાબ માંગ્યો હતો.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ જણાવ્યું હતું કે ડીએમકેના સાંસદ સેન્થિલ કુમારે અગાઉ સંસદમાં ઉત્તર ભારતના રાજ્યોનો ગૌમૂત્ર ગણાવ્યા હતા. આ પછી તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીની તેલંગાણાના લોકોનું ડીએનએ બિહારના લોકો કરતાં વધુ સારુ હોવાની ડંફાશ મારી હતી. હવે ફરી એકવાર ડીએમકેના નેતાએ ઉત્તર-દક્ષિણ વિવાદ ભડકાવવાનો પ્રયાસ કર્યો છે.
ડીએમકે ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો છે. તેમાં બિહાર અને યુપીના મુખ્ય પક્ષો JD(U), RJD અને સપાનો પણ સમાવેશ થાય છે. બિહારના બીજેપી સાંસદ ગિરિરાજ સિંહે ટ્વીટ કરીને સવાલ કર્યો હતો કે શું નીતિશ કુમાર અને લાલુ યાદવ હિન્દીભાષી લોકો પર તેમના ગઠબંધન ભાગીદારના અભિપ્રાય સાથે સંમત છે? તેઓએ સ્પષ્ટ કરવું જોઈએ કે ડીએમકે અને ઈન્ડિયા બ્લોકમાં હિન્દીભાષી લોકો સામે આટલી નફરત શા માટે છે.
અહેવાલો અનુસાર દયાનિધી મારને હિન્દી અને અંગ્રેજી જાણતા લોકોની તુલના કરતી વખતે આ ટીપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જેઓ અંગ્રેજી શીખે છે તેમને આઈટીમાં સારી નોકરી મળે છે, પરંતુ જેઓ માત્ર હિન્દી શીખે છે – યુપી અને બિહારના લોકો – રસ્તાઓ અને શૌચાલયોની સફાઈ કરે છે. વ્યક્તિ માત્ર હિન્દી શીખે છે ત્યારે આવું થાય છે.
ઇન્ડિયા ગઠબંધનની તાજેતરની બેઠકમાં હિન્દી ભાષાને મુદ્દે ઘટક પક્ષોમાં વિવાદ થયો હતો. નીતિશકુમારે હિન્દીમાં બોલવાનું ચાલુ કર્યું ત્યારે ડીએમકે નેતા ટીઆર બાલુએ અંગ્રેજી અનુવાદની માગણી કરી હતી. તેનાથી અકળાયેલા નીતિશે ચોખ્ખું સંભાળી દીધું હતું કે આપણે આપણા દેશને હિન્દુસ્તાન કહીએ છીએ અને હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે. આપણે ભાષા જાણવી જોઈએ.