અમેરિકામાં પહેલી ઓક્ટોબર 2025થી ચાલુ થયેલા સરકારી શટડાઉનથી એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ પર દબાણ વધ્યું છે અને તેના કારણે મુખ્ય એરપોર્ટ પર શુક્રવારે સેંકડો ફ્લાઇટ્સ રદ કરાઈ હતી અને અનેક મુસાફરો ફસાયાં હતાં. સમગ્ર દેશમાં વિમાન મુસાફરોને ફ્લાઇટ ફરીથી બુક કરવામાં પણ મુશ્કેલ પડી હતી.
શુક્રવાર, 7 નવેમ્બરથી એરલાઇન્સો દેશના 40 વધુ ટ્રાફિકવાળા વિસ્તારો માટે ફ્લાઇટ્સમાં 10 ટકા સુધીનો ઘટાડો લાગુ કરવાનું શરૂ કરશે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનને સેફ્ટીના આધારે આવા આદેશ આપ્યો છે. ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટઅવેર અનુસાર શુક્રવારે નિર્ધારિત 750 થી વધુ યુએસ ફ્લાઇટ્સ ગુરુવારે આગોતરી રદ કરાઈ હતી.
અમેરિકન એરલાઇન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે તેના ફ્લાઇટ શેડ્યૂલ ઘટાડી રહી છે જેનાથી દરરોજ 220 ફ્લાઇટ્સમાં ઘટાડો થશે. ડેલ્ટા એરલાઇન્સે શુક્રવારે નિર્ધારિત લગભગ 170 ફ્લાઇટ્સ રદ કરી રહી હતી, જ્યારે બ્રોડકાસ્ટર સીએનએનના અહેવાલ મુજબ સાઉથવેસ્ટ એરલાઇન્સે તે દિવસે નિર્ધારિત લગભગ 100 ફ્લાઇટ્સ રદ કરી હતી.
સરકારી શટડાઉનને કારણે હજારો એર ટ્રાફિક કંટ્રોલર્સ, એરપોર્ટ સુરક્ષા કર્મચારીઓ અને અન્ય લોકોને પગાર વગર નોકરી કરવી પડે છે, જેના કારણે કર્મચારીઓની અછત સર્જાઈ છે.
ફ્લાઇટઅવેરના ડેટા મુજબ ગુરુવારે 6,400થી વધુ યુએસ ફ્લાઇટ્સ મોડી પડી હતી, જેમાં લગભગ 200 ફ્લાઇટ્સ રદ કરાઈ હતી. મુસાફરોને સિક્યોરિટી ચેકપોઇન્ટ પર લાંબી લાઇનોનો સામનો કરવો પડ્યો હતો.














