ભારતે પ્રથમ વખત સંયુક્ત આરબ અમીરાત પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે રૂપિયાનો ઉપયોગ કર્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. ભારત હવે ડોલરની એક્સ્ચેન્જમાં થનારા ખર્ચથી બચવા માટે રૂપિયામાં વ્યાપારને પ્રોત્સાહન આપવા માંગે છે. ભારતે જુલાઈમાં યુએઈ સાથે રૂપિયામાં વ્યાપાર કરવા માટેના કરાર પર સહી કરી હતી. આ પછી તરત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને અબુધાબી નેશનલ ઓઈલ કંપની પાસેથી દસ લાખ બેરલ ક્રૂડ ઓઇલની ખરીદી માટે રૂપિયામાં ચુકવણી કરી હતી.
ભારતે રશિયા પાસેથી અમુક જથ્થામાં ક્રૂડ ઓઈલ ખરીદવા માટે પણ રૂપિયાનો ઉપયોગ કર્યો હતો. જો કે, રશિયા સાથે રૂપિયામાં વેપાર અંગેની વાતચીત આગળ વધી નથી. અધિકારીઓનું કહેવું છે કે યુએસ ડોલરનો ઉપયોગ દાયકાઓથી વિદેશી વેપાર માટે કરવામાં આવે છે, પરંતુ હવે ભારત ડોલરનો ઉપયોગ ઘટાડવા અને ભારતીય રૂપિયામાં વેપારને પ્રોત્સાહન આપવા માંગે છે. ભારતે રૂપિયામાં વેપાર કરવા માટે મન બનાવી દીધું છે.
ભારતની કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રૂપિયામાં વિદેશી વેપારને પ્રોત્સાહન આપવા માટે ગયા વર્ષથી એક ડઝનથી વધુ બેંકોને 18 દેશો સાથે રૂપિયામાં વેપાર કરવાની મંજૂરી આપી છે. ત્યારબાદ ભારતે યુએઈ અને સાઉદી અરેબિયાને જેવા મોટા તેલ નિકાસકારોને રૂપિયામાં ચુકવણી કરવાનું કહ્યું છે.