સમગ્ર ઉત્તર ભારતમાં અત્યારે કાતિલ ઠંડી પડી રહી છે. ભારતીય હવામાન વિભાગે કેટલાંક રાજ્યો માટે ‘કોલ્ડ ડે’ વોર્નિંગ જાહેર કરી છે. આ રાજ્યોમાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાની આગાહી છે. આગામી બે દિવસમાં સમગ્ર ઉત્તર-પશ્ચિમ ભારતમાં દિવસ અને રાત્રે ભારેથી અતિ ભારે ધુમ્મસ છવાઇ જવાની આગાહી કરી છે. દિલ્હી માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. પાલમ વિસ્તારમાં સવારે આઠ કલાકે વિઝિબિલિટી 50 મીટર નોંધાઇ હતી, જે ભારે ધુમ્મસનો સંકેત આપે છે. ખરાબ વિઝિબિલિટીને કારણે 22 ટ્રેનોની અવર-જવરમાં વિલંબ થયો છે. હવામાન વિભાગના આંકડા મુજબ, છેલ્લાં 24 કલાકમાં પંજાબ, હરિયાણા-ચંડીગઢ- દિલ્હી, પશ્ચિમ રાજસ્થાન અને પૂર્વ રાજસ્થાન તેમજ પશ્ચિમ ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં તાપમાન 6થી 10 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું હતું.

હવામાન વિભાગે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, ‘આગામી 2 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં ઠંડાથી અતિ ઠંડા દિવસની સ્થિતિ ચાલુ રહેવાની સંભાવના છે અને ત્યારબાદ તેમાં નોંધપાત્ર ઘટાડો થશે.’ છથી નવ જાન્યુઆરી સુધી અનેક ચોક્કસ સ્થળોએ સવારે ગાઢ ધુમ્મસની સંભાવના છે. આ ઉપરાંત પશ્ચિમી મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, આસામમાં છથી આઠ તારીખ સુધી ધુમ્મસવાળું વાતાવરણ રહેશે.

જો મહત્તમ તાપમાનમાં મોસમના સામાન્ય તાપમાનથી 4.5થી 6.4 સેલ્સિયસ ડિગ્રીની વચ્ચે ઘટાડો થાય તો તેને ઠંડો દિવસ તરીકે માનવામાં આવે છે. જો તાપમાન સીઝનના સામાન્યથી 6.5 ડિગ્રી ઘટે છે તો તેને આકરી ઠંડીનો દિવસ માનવામાં આવે છે. દિલ્હીની સફદરજંગ વેધશાળામાં મહત્તમ તાપમાન સામાન્યથી પાંચ ડિગ્રી ઓછું એટલે કે 14.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હરિયાણાના અંબાલામાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ હતું. જે સામાન્યથી 7.5 ડિગ્રી ઓછું રહ્યું હતું. રાજસ્થાનના સીકરમાં લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી સેલ્સિયસ હતું. જે સીઝનમાં સામાન્યથી 10 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું હતું.

LEAVE A REPLY