(ANI Photo)

ચાલુ વર્ષે એપ્રિલ-મેમાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવાર, 14 જાન્યુઆરીથી હિંસાગ્રસ્ત મણિપુરના થૌબલ જિલ્લામાંથી 67 દિવસની મણિપુરથી મુંબઈ સુધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો પ્રારંભ કર્યો હતો. આ યાત્રા 14 રાજ્યો અને 85 જિલ્લાઓમાં પસાર થશે. આશરે 6,200 કિમીની ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી મોટા ભાગે બસમાં મુસાફરી કરશે અને કેટલાંક વિસ્તારમાં પગપાળા કરશે અને યાત્રાની 20 માર્ચે સમાપ્ત થશે. આ સમયગાળા સુધી દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાની ધારણા છે.

કન્યાકુમારીથી કાશ્મીર સુધી પગપાળા ભારત જોડો યાત્રા પૂરી કર્યાના આશરે એક વર્ષમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બીજી યાત્રા કાઢશે. ભારત જોડા યાત્રામાં 136 દિવસમાં 4,000 કિલોમીટરનો અંતર કાપ્યું હતું.

કોંગ્રેસની નવી યાત્રાની જાહેરાત કરતા પાર્ટીના મહામંત્રી જયરામ રમેશે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન આર્થિક અસમાનતા, ધ્રુવીકરણ અને આપખુદશાહીના મુદ્દા ઉઠાવ્યા હતાં, પરંતુ ન્યાય યાત્રામાં દેશના લોકો માટે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ભારત ન્યાય યાત્રાને 14 જાન્યુઆરીએ ઇમ્ફાલમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે લીલી ઝંડી દર્શાવશે. આ યાત્રા નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે.

જયરામ રમેશે જણાવ્યું હતું કે કોંગ્રેસ તેના સ્થાપના દિવસ એટલે કે 28 ડિસેમ્બરે નાગપુરમાં મેગા રેલી કરશે. ‘હૈં તૈયાર હમ’ નામની આ રેલીમા કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફુંકશે.

કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કે સી વેણુગોપાલે જણાવ્યું હતું કે ન્યાય યાત્રા દરમિયાન મહિલાઓ, યુવાનો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો સાથે વાતચીત કરાશે. ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરતાં ઓછા સમયમાં વધુ અંતર કાપશે. 21 ડિસેમ્બરે કોંગ્રેસ કાર્યકારી સમિતિના સર્વસંમતિ ઠરાવને પગલે આ યાત્રાની જાહેરાત કરાઈ છે.

યાત્રાના પ્રારંભિક સ્થળ તરીકે મણિપુરને પસંદ કરવા પાછળના હેતુ અંગેના સવાલમાં વેણુગોપાલે કહ્યું હતું કે તે દેશનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને પાર્ટી ઉત્તરપૂર્વીય રાજ્યના લોકોના ઘા રુઝવવાની પ્રક્રિયા શરૂ કરવા માંગે છે. અહીં ઉલ્લેખનીય છે કે મણિપુરમાં 3મેએ ફાટી નીકળેલી કુકી અને મૈતૈઇ સમુદાય વચ્ચેની વંશિય હિંસામાં 200 લોકોના મોત થયા હતા અને 60 હજાર લોકો વિસ્થાપિત બન્યાં હતા.

જયરામ રમેશે જણાવ્યું હતું કે “ભારત જોડો યાત્રા દ્વારા એકતા, પ્રેમ અને સંવાદિતાનો સંદેશ ફેલાવ્યા પછી રાહુલ ગાંધી દેશના લોકો માટે ન્યાય માંગશે.”

LEAVE A REPLY