ગયા વર્ષના છેલ્લાં ક્વાર્ટરમાં ભારતના વિદ્યાર્થીઓને કેનેડાએ જારી કરેલી સ્ટડી પરમિટમાં 86 ટકાનો ધરખમ ઘટાડો થયો છે. ગયા વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં કેનેડાએ ભારતના 14,910 વિદ્યાર્થીઓને સ્ટડી પરમિટ આપી હતી, આ સંખ્યા અગાઉના ક્વાર્ટરમાં 108,940 હતી.
કેનેડાના ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરે જણાવ્યું હતું કે કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદીની હત્યા અંગેના રાજદ્વારી વિવાદને કારણે ભારતે કેનેડિયન રાજદ્વારીઓની હકાલપટ્ટી કરી હોવાથી વિદ્યાર્થીઓને આપવામાં આવતી અભ્યાસ પરમિટની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો હતો. આ સંખ્યામાં ટૂંકસમયમાં મોટો વધારો થવાની ઓછી શક્યતા છે.
ઑક્ટોબરમાં, નવી દિલ્હીના આદેશ પર કેનેડાને 41 રાજદ્વારીઓ અથવા તેના બે તૃતીયાંશ સ્ટાફને ભારતની બહાર ખેંચવાની ફરજ પડી હતી. વધુમાં, વિવાદે ભારતીય વિદ્યાર્થીઓને અન્ય દેશોમાં અભ્યાસ કરવા માટે પ્રેરિત કર્યા છે.
ઓટાવામાં ભારતના હાઈ કમિશનના કાઉન્સેલર સી. ગુરુસ ઉબ્રામેનિયનએ જણાવ્યું હતું કે કેનેડાની કેટલીક સંસ્થાઓમાં રહેણાંક અને પર્યાપ્ત શિક્ષણ સુવિધાઓના અભાવને લઈને ચિંતાને કારણે કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા સિવાય અન્ય વિકલ્પો અપનાવી રહ્યાં છે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કેનેડિયન યુનિવર્સિટીઓ માટે દુઝણી ગાય સમાન છે કારણ કે તેનાથી કેનેડાને વાર્ષિક C$22 બિલિયન ($16.4 બિલિયન)ની આવક થાય છે.