બ્રિટનની એક કોર્ટે શુક્રવારે પર્યારવણવાદી ગ્રેટા થનબર્ગ સામે જાહેર વ્યવસ્થાના ભંગના કેસને ફગાવ્યો હતો. કોર્ટે દેખાવકારો પર પોલીસે લાદેલી “ગેરકાયદે” શરતોની પણ ટીકા કરી હતી. ડિસ્ટ્રિક્ટ જજ જ્હોન લોએ લંડનમાં કેસના બીજા દિવસે 21 વર્ષીય સ્વીડિશ કેમ્પેઇનર અને અન્ય ચાર કાર્યકરો સામેના કેસને ફગાવ્યો હતો. કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, પોલીસે ગત ઓક્ટોબરમાં લંડનમાં પર્યાવરણલક્ષી વિરોધ પ્રદર્શન દરમિયાન તેમની ધરપકડ કરી હતી ત્યારે તેમના પર “ગેરકાયદે” શરતો લાદવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વમાં જે જાણીતા લોકો જળવાયુ પરિવર્તન સામેની લડાઇ લડી રહ્યા છે તેમાં ગ્રેટાનો સમાવેશ થાય છે. એક વૈભવી હોટેલમાં કંપનીઓ દ્વારા યોજાયેલી મોટી ઓઇલ અને ગેસ કોન્ફરન્સને ખોરવવાનો પ્રયાસ કર્યો ત્યારે ગ્રેટા સહિત અનેક કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.
તે ગત નવેમ્બરમાં ફોસિલ ફ્રી લંડન (FFL)કેમ્પેઇન ગ્રુપના બે વિરોધીઓ અને ગ્રીનપીસના બે કાર્યકરો સાથે જાહેર વ્યવસ્થાના કાયદાનો ભંગ કરવાના કેસમાં પણ દોષિત ઠરી નહોતી. ગ્રેટા થનબર્ગે તેના દેશ- સ્વીડનમાં 15 વર્ષની ઉંમરે સ્કૂલમાં હડતાલ કરી ત્યારે તે વિશ્વભરના લોકોમાં ધ્યાનમાં આવી હતી અને તે નિયમિત રીતે આવા વિરોધ પ્રદર્શનોમાં ભાગ લે છે.