ફોન હેકિંગ અને અન્ય ગેરકાનૂની કૃત્યોના મામલે પ્રિન્સ હેરી અને મિરર ગ્રૂપ ન્યૂઝપેપર્સ વચ્ચેના બાકીના મુકદ્દમાનું સમાધાન કર્યું છે. મિરર ગ્રૂપ નુકસાન અને કાનૂની ખર્ચ પેટે ચોક્કસ રકમ ચુકવવા સંમત થયા પછી આ સેટલમેન્ટ થયું હતું, એમ તેમના વકીલે શુક્રવારે લંડનની હાઈકોર્ટમાં જણાવ્યું હતું. શુક્રવારની સુનાવણી દરમિયાન હેરી કોર્ટમાં હાજર ન હતાં.
ડિસેમ્બરમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે પ્રિન્સ હેરી ડેઈલી મિરર, સન્ડે મિરર અને સન્ડે પીપલ ટેબ્લોઈડ્સના પત્રકારોની ફોન હેકિંગ સહિતની ગેરકાયદેસર માહિતીનો શિકાર બન્યાં હતાં. હેરીએ કુલ 148 આર્ટિકલ સામે ફરિયાદ કરી હતી, પરંતુ કોર્ટે માત્ર 33 આર્ટિકલને ધ્યાનમાં લીધા હતાં અને તેમાંથી 15 આર્ટિકલના સંદર્ભમાં તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
વકીલ ડેવિડ શેરબોર્ને કોર્ટને જણાવ્યું કે મિરર ગ્રૂપે હવે તેમના બાકીના દાવાનો સ્વીકારી કર્યો છે. મિરર ગ્રૂપ ન્યૂઝપેપર્સ ડ્યુક ઓફ સસેક્સને નુકસાની પેટે નોંધપાત્ર વધારાની રકમ ચૂકવશે. જોકે આ રકમ કેટલી હશે તેની કોઇ સ્પષ્ટતા કરાઈ ન હતી.
અગાઉ આ કેસમાં નુકસાન ભરપાઇ પેટે કોર્ટે કિંગ ચાર્લ્સના નાના પુત્રને મૂળ રૂપે 140,600 પાઉન્ડ (લગભગ $180,700)ની રકમ મંજૂર કરી હતી.