એનઆરઆઈ વેલ્ફેર સોસાયટી ઓફ ઈન્ડિયાએ નવી દિલ્હીમાં આઠ ફેબ્રુઆરીએ ઈન્ડિયા બિઝનેસ ગ્રુપ (IBG)ના સ્થાપક અને CEO અમરજીત સિંહનું પ્રતિષ્ઠિત ‘હિંદ રત્ન 2024 એવોર્ડ’ વડે સન્માન કર્યું હતું. બિઝનેસ, વેપાર, શિક્ષણમાં ઉત્તમ સેવા, સિદ્ધિઓ અને યોગદાન બદલ અમરજીત સિંહને આ પુરસ્કાર અપાયો હતો.
તેમને નવી દિલ્હીમાં મહાનુભાવો, અધિકારીઓ અને પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરીમાં પ્રમાણપત્ર અને ચંદ્રક એનાયત કરાયો હતો.
યુકે સ્થિત અગ્રણી સ્ટ્રેટેજિક એડવાઇઝરી કન્સલ્ટન્સી IBG સાઉધમ્પ્ટન, લંડનમાં ઓફિસો અને સમગ્ર ભારતમાં ટીમો સાથે યુકે અને ભારતના બજારો વચ્ચે દ્વિપક્ષી બિઝનેસ, વેપાર અને રોકાણની તકો સુગમ બનાવે છે.
અમરજીત સિંહ હાલમાં સાઉધમ્પ્ટન યુનિવર્સિટીમાં ભારત માટે વિશેષ સલાહકાર તથા યુનિવર્સિટીના ઈન્ડિયા સેન્ટર ફોર ઈન્ક્લુઝિવ ગ્રોથ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટના સ્થાપક ડાયરેક્ટર છે.
હિંદ રત્ન એવોર્ડ ઇન્ડિયન ડાયાસ્પોરાને આપવામાં આવતો એક સર્વોચ્ચ પુરસ્કાર છે. ભારતીય સમુદાયના બિન-નિવાસી વ્યક્તિઓને ભારત સાથેના સંબંધો મજબૂત કરવા માટેના તેમના કાર્યો અને પ્રયત્નોનું બહુમાન કરવા વાર્ષિક ધોરણે આ અવોર્ડ આપવામાં આવે છે.
અમરજીત સિંહ યુકે સ્થિત વરિષ્ઠ વ્યૂહાત્મક સલાહકાર, બિઝનેસ કન્સલ્ટન્ટ અને સોલિસિટર છે. તેઓ આંતરરાષ્ટ્રીય વેપાર, રોકાણ, વ્યવસાય, શિક્ષણ, સરકારી સંબંધો અને કાનૂની સેવાઓમાં કામ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે.
એવોર્ડ મળ્યા પછી તેમણે જણાવ્યું હતું કે “હું આ પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાપ્ત કરવા બદલ ખરેખર ગૌરવ અને વિનમ્રતાની લાગણી અનુભવું છું. ઈન્ડિયા બિઝનેસ ગ્રુપ UK-ભારત વચ્ચે વ્યાપારની તકોને ટેકો આપવા તથા ઉદ્યોગ, ઉચ્ચ શિક્ષણ અને સરકારી એજન્સીઓનું પ્રતિનિધિત્વ કરતા ક્ષેત્રોમાં સહયોગ માટે ખૂબ જ પ્રતિબદ્ધ છે. હું આ એવોર્ડ અમારા બે મહાન રાષ્ટ્રો વચ્ચેના જીવંત સેતુને વધુ ગાઢ અને વૈવિધ્યપૂર્ણ બનાવવા માટે સમર્પિત કરું છું.”