(ANI Photo)

અમેરિકા અને વિશ્વના વિવિધ વર્ગો દ્વારા નાગરિકતા સુધારા ધારા (CAA)ની થયેલી ટીકાને ભારતે સખત શબ્દોમાં વખોડી કાઢીને શુક્રવારે જણાવ્યું હતું કે ભારતની વૈવિધ્યપૂર્ણ પરંપરાઓ અને ભારત-પાકિસ્તાનના વિભાજન પછીના ઇતિહાસની મર્યાદિત સમજ ધરાવતા લોકોએ ભાષણબાજીથી દૂર રહેવું જોઇએ. મતબેન્કની રાજનીતિના આધારે મુશ્કેલીમાં રહેલા લોકોને મદદ કરવાની આ પ્રશંસનીય પહેલ અંગે અભિપ્રાય બાંધવો જોઇએ નહીં.

વોશિંગ્ટન અને વિશ્વના અન્ય વર્ગોની CAA સામેની ટીકા વિશે પૂછવામાં આવતા વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે CAA નાગરિકતા આપે છે અને નાગરિકતા છીનવી લેતો નથી. તે વિસ્થાપિત બનેલા લોકોને માનવીય ગૌરવ પ્રદાન કરે છે અને માનવ અધિકારોને સમર્થન આપે છે આ કાયદો ભારતની આંતરિક બાબત છે.

અમેરિકાએ ગુરુવારે જણાવ્યું હતું કે તે CAA કાયદાના જાહેરનામાથી ચિંતિત છે અને તેના અમલ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ અંગે જવાબ આપતા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે સીએએના અમલ પર અમેરિકાના વિદેશ વિભાગના નિવેદનના સંદર્ભમાં અમારું માનવું છે કે તે અયોગ્ય, ગેરમાર્ગે દોરનારું અને ગેરવાજબી છે. આ ધારો અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયોના પીડિત લઘુમતીઓને સુરક્ષિત આશ્રય આપે છે. ભારતના ભાગીદારો અને શુભેચ્છકોએ જે ઉદ્દેશ્ય સાથે આ પગલું લેવામાં આવ્યું છે તેનું સ્વાગત કરવું જોઈએ.

 

LEAVE A REPLY

seventeen + 14 =