પેલેસ્ટાઇનમાં માનવતાવાદી ચિંતાઓ ઊભી થઈ હોવા છતાં ઇઝરાયેલને અમેરિકાના સમર્થનનો વિરોધ કરવા મુસ્લિમ સમુદાયના સભ્યોએ વ્હાઇટ હાઉસના ઇફ્તાર રાત્રિભોજનના આમંત્રણને નકારી કાઢ્યું છે, એમ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.
ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ અખબારે બુધવારે અહેવાલ આપ્યો હતો કે “ગાઝા યુદ્ધમાં ઇઝરાયેલને પ્રેસિડન્ટ બાઇડનના સમર્થનથી વ્યથિત ઘણા આમંત્રિતોએ જણાવ્યું હતું કે ઘણા પેલેસ્ટિનિયન ઘેરાબંધી હેઠળ છે, ત્યારે તેઓ મંગળવારે સાંજે પ્રેસિડન્ટ સાથે ઇફ્તાર ભોજનમાં ભાગ લેશે નહીં.”
પેલેસ્ટિનિયન અમેરિકન ડૉક્ટર ડૉ. થેર અહમદને ટાંકીને ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું હતું કે “અમે તમારી સાથે બ્રેડ એન્ડ સ્ટીક પર દુષ્કાળ અને ભૂખમરો વિશે કેવી રીતે વાત કરી શકીએ?” ડૉ. અહેમદે સમુદાયના નેતાઓ અને પ્રમુખ બાઇન સાથે એક અલગ-અલગ રીતે કલાક લાંબી બેઠકમાં હાજરી આપી હતી. મંગળવારે મળેલી બેઠકમાં વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન હાજર રહ્યા હતાં.
આયોજનથી પરિચિત સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારે વ્હાઇટ હાઉસના કાર્યક્રમોમાં હાજરી આપવા માટે આમંત્રિત કરાયેલા કેટલાક લોકોએ સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ઘણા પેલેસ્ટિનિયન હાલમાં ભૂખમરો અને કુપોષણનો સામનો કરી રહ્યા છે, ત્યારે આમંત્રિતો પ્રેસિડન્ટ સાથે ઉજવણી કરવા માગતા નથી.
મુસ્લિમ સંગઠન એમગેજે વ્હાઇટ હાઉસના આમંત્રણને નકારી કાઢીને જણાવ્યું હતું કે લાખો લોકો હવે દુષ્કાળ અને બિમારીનો સામનો કરી રહ્યા છે ત્યારે માનવતાવાદી આપત્તિ ઊભી થઈ છે. જબરદસ્ત પીડા અને વેદનાની આ ક્ષણમાં અમે વ્હાઇટ હાઉસને આ મેળાવડો મુલતવી રાખવા અને વ્હાઇટ હાઉસ દ્વારા પસંદ કરાયેલા પ્રતિનિધિઓને બદલે સમુદાયની પસંદગીના પ્રતિનિધિઓ સાથે યોગ્ય નીતિ બેઠક બોલાવવા અનુરોધ કર્યો છે.
અમેરિકામાં મુસ્લિમ સમુદાય બાઇડન સરકારથી હતાશ અને ગુસ્સામાં છે. તેઓ માને છે કે સરકારે ગાઝામાં નિર્દોષ લોકોની હત્યા રોકવા માટે તેની ક્ષમતાનો ઉપયોગ કર્યો નથી. મિશિગન જેવા કેટલાક નિર્ણાયક બેટલગ્રાઉન્ડ ગણાતા રાજ્યોના ઘણા મુસ્લિમ અમેરિકન જૂથોએ જાહેરાત કરી છે કે તેઓ નવેમ્બરની સામાન્ય ચૂંટણીઓમાં બાઇડનને મત આપશે નહીં.