(ANI Photo)

કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ અમેરિકામાં વારસાઇ ટેક્સ અંગે આપેલા નિવેદનને કારણે ભારતમાં લોકસભાની ચૂંટણીને સમયે વિપક્ષ કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો હતો. પિત્રોડાએ શિકાગોમાં કહ્યું હતું કે અમેરિકામાં વારસાઈ ટેક્સ એટલે કે ઈનહેરિટન્સ ટેક્સ હોય છે. જેમાં કોઈ અબજોપતિ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના વારસદારને માત્ર 45 ટકા સંપત્તિ મળે છે, જ્યારે 55 ટકા સંપત્તિ સરકારના ખાતે જાય છે.

પિત્રોડાના આ નિવેદનને આધારે ભાજપ એવો પ્રચાર કરી રહ્યું છે કે કોંગ્રેસ ભારતમાં પણ આ પ્રકારનો વારસાઈનો ટેક્સ લાગુ કરવા માંગે છે

પિત્રોડાએ જણાવ્યું હતું કે “ભારતમાં આવો કોઈ વારસાઈનો કાયદો નથી. તેથી ભારતમાં 10 અબજ રૂપિયાની સંપત્તિ ધરાવતી કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો બધા રૂપિયા તેના સંતાનોને મળે છે, લોકોને કંઈ નથી મળતું. તેથી આપણે આવા મુદ્દા પર ચર્ચા કરવી જોઈએ. અંતમાં તેનું શું તારણ આવશે તેની મને ખબર નથી પરંતુ આપણે હવે સંપત્તિની વહેંચણીની વાત કરીએ છીએ, આપણે લોકોના હિતની વાત કરીએ છીએ, માત્ર સુપર રિચ લોકોના હિતની વાત નહીં.

મોદીએ સેમ પિત્રોડાને “શાહી પરિવારના શાહજાદાના સલાહકાર” તરીકે સંબોધીને કહ્યું કે “કોંગ્રેસ કહે છે કે આપણા દેશનો જે મિડલ ક્લાસ છે જેઓ મહેનત કરીને કમાય છે તેના પર વધુ ટેક્સ લાગવો જોઈએ. હવે આ લોકો તેનાથી પણ એક કદમ આગળ વધ્યા છે. હવે કોંગ્રેસનું કહેવું છે કે તેઓ ઈનહેરિટન્સ ટેક્સ લગાવશે. માતા-પિતા પાસેથી મળનાર વારસા પર પણ ટેક્સ લગાવશે. તમે જે તમારી મહેનતથી સંપત્તિ એકઠી કરો છો તે તમારા બાળકોને નહીં મળે. પરંતુ કોંગ્રેસ તેને તમારી પાસેથી છીનવી લેશે. કોંગ્રેસનો મંત્ર છે, કોંગ્રેસની લૂંટ, જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી. તમે જીવીત રહેશો ત્યાં સુધી કોંગ્રેસ તમને ઊંચા ટેક્સથી મારશે. તમે જીવીત નહીં રહો ત્યારે તમારા પર ઈનહેરિટન્સ ટેક્સનો બોજ લાદી દેશે.”

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments