ગુજરાતની 26 લોકસભા ચૂંટણી માટે મેદાનમાં રહેલા કુલ 266 ઉમેદવારમાંથી ભારતીય જનતા પાર્ટીના જામનગર લોકસભા બેઠકના ઉમેદવાર પૂનમ માડમ રૂ.147 કરોડની સંપત્તિ સાથે સૌથી ધનિક છે. બીજી તરફ બારડોલી (અનુસૂચિત જનજાતિ) બેઠક પરથી ચૂંટણી લડી રહેલા બહુજન સમાજ પાર્ટીના રેખા ચૌધરીએ માત્ર રૂ.2,000ની  સંપત્તિ જાહેર કરી છે, એમ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના અહેવાલમાં જણાવાયું હતું.

રાજ્યની 26 લોકસભા બેઠકો પર લડી રહેલા 266 ઉમેદવારોમાંથી ‘કરોડપતિ’ ઉમેદવારની સંખ્યા 68 છે, અથવા કુલના 26 ટકા છે. ભાજપ 24 ‘કરોડપતિ’ ઉમેદવારો સાથે મોખરે છે, કોંગ્રેસના 21 અને બહુજન સમાજ પાર્ટીના ચાર ઉમેદવારો કરોડપતિ છે. ભાજપના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ.15 કરોડથી વધુ છે, જ્યારે કોંગ્રેસ માટે આ આંકડો રૂ.6 કરોડ છે. ગુજરાતમાં 15 સૌથી ધનિક ઉમેદવારોમાંથી આઠ ભાજપના અને સાત કોંગ્રેસના છે

સુરતમાંથી બિનહરીફ જીતેલા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ પાસે રૂ.17 કરોડથી વધુની સંપત્તિ છે. પૂનમ માડમ જામનગર બેઠક પરથી ફરી ચૂંટણી લડી રહ્યાં છે. તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં રૂ.42.7 કરોડની સંપત્તિ જાહેર કરી હતી, પરંતુ 2024માં રૂ.147 કરોડની સંપત્તિ જાહેર કરી છે. આ સંપત્તિમાં રૂ.60 કરોડની જંગમ મિલકતો અને રૂ.87 કરોડની સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે. આમાં તેમની પોતાની, તેમના જીવનસાથી અને હિન્દુ અવિભાજિત કુટુંબ (HUF)ની સંપત્તિનો સમાવેશ થાય છે.

ગુજરાતમાંથી લોકસભાની ચૂંટણી લડી રહેલા કેન્દ્રીય પ્રધાનોમાં પરષોત્તમ રૂપાલાએ  રૂ.17 કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી છે, જેમાં ADR મુજબ રૂ.11.5 કરોડ જંગમ અને રૂ.5.9 કરોડ સ્થાવર સંપત્તિ છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કુલ રૂ.7 કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી છે, જેમાં રૂ. 3 કરોડની જંગમ અને રૂ. 4.95 કરોડની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે.

નવસારીથી ફરીથી ચૂંટણી લડી રહેલા ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલે રૂ.39 કરોડ થી વધુની સંપત્તિ જાહેર કરી છે. કોંગ્રેસના ઉમેદવારોમાં અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક અમદાવાદ (પશ્ચિમ)ના ઉમેદવાર ભરત મકવાણા રૂ.25 કરોડથી વધુની સંપત્તિ સાથે સૌથી ધનિક છે.

LEAVE A REPLY