ભૂતપૂર્વ  ક્રિકેટર યુસુફ પઠાણ સહિત સમગ્ર દેશમાંથી ઓછામાં ઓછા 15 મુસ્લિમ ઉમેદવારો  લોકસભા ચૂંટણી જીત્યા છે. પશ્ચિમ બંગાળમાં TMCના ઉમેદવાર યુસુફ પઠાણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીને બહેરામપુર લોકસભા બેઠક પરથી હરાવ્યા હતા. આ વર્ષે લોકસભા ચૂંટણીમાં કુલ 78 મુસ્લિમો મેદાનમાં હતા. 2019ની લોકસભાની ચૂંટણીમાં 115 મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં હતાં.

ઉત્તરપ્રદેશના સહારનપુરથી કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન મસૂદ 64,542 મતોના માર્જિનથી જીત્યા હતા, કૈરાનાથી સમાજવાદી પાર્ટીના 29 વર્ષીય ઉમેદવાર ઇકરા ચૌધરીએ 69,116 મતોથી ભાજપ પ્રદીપ કુમાર પર વિજય મેળવ્યો હતો. ગાઝીપુરના વર્તમાન સાંસદ અફઝલ અંસારીએ 5.3 લાખ મતો મેળવીને ફરી વિજય મેળવ્યો હતો. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ તેમના નજીકના હરીફ ભાજપના માધવી લતા કોમ્પેલાને 3,38,087 મતોના માર્જિનથી હૈદરાબાદ બેઠક જાળવી રાખી હતી.

લદ્દાખમાં અપક્ષ ઉમેદવાર મોહમ્મદ હનીફાએ 27,862 મતોના માર્જિનથી વિજય મેળવ્યો હતો  અન્ય એક અપક્ષ ઉમેદવાર અબ્દુલ રશીદ શેખે જમ્મુ અને કાશ્મીરની બારામુલા બેઠક પર 4.7 લાખ મતો મેળવીને જીત મેળવી હતી.

ઉત્તર પ્રદેશમાં, સમાજવાદી પાર્ટીના મોહીબુલ્લાએ 4,81,503 મતો મેળવીને રામપુર બેઠક જીતી હતી, જ્યારે ઝિયા ઉર રહેમાન સંભલમાં 1.2 લાખ મતોના માર્જિનથી જીત્યા હતા. નેશનલ કોન્ફરન્સના મિયાં અલ્તાફ અહમદ જમ્મુ અને કાશ્મીરની અનંતનાગ-રાજૌરી બેઠક પર જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી સામે 2,81,794 મતોથી જીત્યા હતા.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments