પીઢ અભિનેત્રી મલાઈકા અરોરાએ અંગત જીવનમાં અરબાઝ ખાનથી છૂટાછેડા અને અર્જુન કપૂર સાથે બ્રેકઅપ જેવા પડકારોનો સામનો કર્યો છે. આવી ઘટનાઓ પછી મલાઈકા અરોરા માને છે કે મહિલાઓ માટે આર્થિક સ્વતંત્રતા ખૂબ જરૂરી છે. એક કાર્યક્રમમાં પરિણીત અને લગ્નોત્સુક મહિલાઓને ઉદ્દેશીને મલાઈકાએ લગ્ન પછી મહિલાની વ્યક્તિગત ઓળખના મહત્ત્વ અંગે સલાહ આપી હતી. લગ્ન પછી પતિના ફાઈનાન્સની સાથે જ પોતાના આર્થિક વ્યવહારો સાથે કરવાને બદલે તેને અલગ રાખવા મલાઈકાએ સલાહ આપી હતી. તેણે કહ્યું હતું કે, જો તેરા હૈ, વો તેરા હૈ. જો મેરા હૈ, વો મેરા હૈ. લગ્ન પછી મહિલા નવા પરિવારમાં ભળી જવા પ્રયાસ કરે છે, પરંતુ આ સાથે પોતાની અલગ ઓળખ પણ જાળવી રાખવી જોઈએ.
મલાઈકાએ લગ્ન પછીના નાણાકીય આયોજન અંગે ખુલીને વાત કરતાં કહ્યું હતું કે, સાથે મળીને આગળ વધવું તે સારી બાબત છે. પણ, તેનો અર્થ એ નથી કે, તમારા અસ્તિત્વને નાબૂદ કરીને નવી ઓળખ ધારણ કરી લેવી. લગ્ન પછી પતિની અટકને મહિલા ધારણ કરે છે. ઠીક છે, પરંતુ બેંક એકાઉન્ટ તો અલગ જ રાખવા જોઈએ.
મલાઈકા અરોરાએ આર્થિક સ્વતંત્રતા અને મહિલાની આગવી ઓળખ વિશે વ્યક્ત કરેલા વિચારોમાં આધુનિક મહિલાના વ્યક્તિત્વનું પ્રતિબિંબ દેખાય છે. અરબાઝ ખાન સાથે લગ્ન બાદ મલાઈકા અરોરા ફિલ્મી પરિવારની સભ્ય બની હતી. બે દાયકાના લગ્નજીવન બાદ 2017માં મલાઈકાએ અરબાઝ સાથે છૂટાછેડા લીધા હતા. આ અગાઉ 2016થી મલાઈકા અને અર્જુન પાર્ટનર તરીકે સાથે રહ્યા હતા. તાજેતરમાં અર્જુન અને મલાઈકા છૂટા પડ્યા હોવાનું કહેવાય છે. મલાઈકાએ તાજેતરમાં પોતાના પુત્ર અરહાન સાથે મળીને મુંબઈમાં રેસ્ટોરાં શરૂ કરી છે. આ ઉપરાંત મોડેલિંગ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં પણ મલાઈકા સારી આવક મેળવી રહી છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments