(PTI Photo)

ઉત્તરપ્રદેશના બાગપત જિલ્લામાં મંગળવાર સવારે જૈનોના મોક્ષ કલ્યાણક નિર્વાણ મહોત્સવ દરમિયાન ધાર્મિક કાર્યક્રમ દરમિયાન બાંધવામાં આવેલ વાંસનો મંચ લોકોના વજનથી તૂટી પડતા સાત લોકોના મોત થયાં હતાં અને 60થી વધુ લોકો ઘાયલ થયાં હતાં. ભક્તો માટે વાંસનો મંચ ઉભો કરવામાં આવ્યો હતો. લોકોના ભારથી આ મંચ ધરાશાયી થયો હતો.

બાગપત જિલ્લાના બડૌત શહેરમાં ગાંધી રોડ પર શ્રી દિગંબર જૈન ડિગ્રી કોલેજ મેદાનમાં ભગવાન આદિનાથના ‘અભિષેક’ માટે આયોજિત કાર્યક્રમ દરમિયાન સવારે 8 વાગ્યે આ ઘટના બની હતી. આ કાર્યક્રમ શ્રી 1008 આદિનાથ ભક્તામ્બર પ્રચારના નેજા હેઠળ જૈન સમુદાયના મોક્ષ કલ્યાણક નિર્વાણ મહોત્સવનો ભાગ હતો.

બાગપત પોલીસ વડા અર્પિત વિજયવર્ગીયે જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતાં.

જિલ્લા મેજિસ્ટ્રેટ અસ્મિતા લાલે જણાવ્યું હતું કે સ્થાનિક જૈન સમુદાય 30 વર્ષથી દર વર્ષે ‘લાડુ મહોત્સવ’ ઉજવે છે. લાકડાનું માળખું તૂટી પડ્યું હતું અને લગભગ 40 લોકો ઘાયલ થયાં હતાં. 20 લોકોને પ્રાથમિક સારવાર આપીને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા, અન્ય ઘાયલોની સારવાર ચાલુ કરાઈ હતી.

રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચવા અને રાહત કાર્ય ઝડપી બનાવવા આદેશ આપ્યો હતો.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments