
ઉત્તરાખંડમાં ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બુધવાર, 30 એપ્રિલ અક્ષય તૃતીયાથી શુભ દિવસે ચારધામ યાત્રાનો પ્રારંભ થયો હતો. આ ચાર ધામ યાત્રામાં હિન્દુ ધાર્મિક પવિત્ર સ્થળો યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથનો સમાવેશ થાય છે.
ગંગોત્રી-યમુનોત્રી ધામના કપાટ ખુલવાની સાથે આશરે 6 મહિના સુધી ચાલનારી ચાર ધામ યાત્રાની શરૂઆત થઈ હતી. માતા ગંગાની પાલખી મુખભાથી ગંગોત્રી ધામ પહોંચી હતી. રાજપૂતાના રાઈફલ્સ બેન્ડની ધૂન વચ્ચે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ ગંગાની પૂજા-અર્ચના કરી હતી. હેલિકોપ્ટરથી મંદિર પર પુષ્પવર્ષા પણ કરાઈ હતી. આ પૂજા વખતે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં.
યાત્રામાં સામેલ થનારા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે 6,000 વધુ સુરક્ષા જવાનો તૈનાત કરાયા છે. ચારેય ધામોમાં એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડ પણ તૈનાત કરાશે. યાત્રાના પ્રારંભ પહેલા જ આશરે 22 લાખ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
સુરક્ષા અંગે માહિતી આપતા રાજ્યના ડીજીપી દીપમ સેઠે કહ્યું હતું કે જવાનોની તૈનાતીની સાથે ગુપ્ત એજન્સીઓ પણ એલર્ટ પર છે. 28મી એપ્રિલથી ઓફલાઇન રજિસ્ટ્રેશન ચાલુ થયું હતું.
બુધવારે ગંગોત્રી-યમુનોત્રી ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા. બીજી મેએ કેદારનાથ અને પછી ચાર મેના રોજ બદ્રીનાથના કપાટ ખોલવામાં આવશે. ચારધામની યાત્રા માટે આશરે ૨૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે.
