(Photo by STR/AFP via Getty Images)

બોલીવૂડમાં ખાસ મિત્રતા ધરાવતા અમિતાભ-ધર્મેન્દ્ર, સલમાન-શાહરુખ જેવા ઘણા કલાકાર છે. પરંતુ આ પહેલા પણ બોલીવૂડમાં બે એવા પીઢ અભિનેતા હતા, જે બંને સ્ટાર હતા અને સારા મિત્રો પણ હતા. એટલું જ નહીં, એક જ વર્ષે તેમના ડિવોર્સ થયા અને બંનેનું એક જ તારીખે અવસાન થયું હતું. આજે પણ આ બે સ્ટાર્સની મિત્રતા એક ઉદાહરણ છે. આ બે સ્ટાર બીજું કોઈ નહીં પણ વિનોદ ખન્ના અને ફિરોઝ ખાન.

ફિરોઝ ખાન અને વિનોદ ખન્ના વચ્ચે મિત્રતા 1979માં શરૂ થઈ હતી. બંનેએ સાથે ફિલ્મો પણ કરી છે. અહીંથી શરૂ થયેલી બંને વચ્ચેની મિત્રતા તેમના છેલ્લા શ્વાસ સુધી જોવા મળી હતી. વિનોદ ખન્નાએ પોતાની કરિયરમાં 150થી વધુ ફિલ્મોમાં કામ કર્યું અને ઘણી ખ્યાતિ મેળવી.

એક સમય હતો જ્યારે વિનોદ ખન્નાનું સ્ટારડમ બધા હીરો કરતાં વધુ હતું. શાનદાર વ્યક્તિત્વ ધરાવતા વિનોદ ખન્નાની પાછળ ઘણી અભિનેત્રીઓ પણ દિવાની હતા. વિનોદ ખન્ના યુવતીમાં પણ ખૂબ જ લોકપ્રિય હતા. ફિરોઝ ખાન પણ પોતાની અનોખી સ્ટાઇલ માટે જાણીતા હતા. વિનોદ ખન્ના અને ફિરોઝ ખાન બંનેએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.

વિનોદ ખન્નાએ ગીતાંજલિ સાથે લગ્ન કર્યા અને લગ્નના થોડા વર્ષો પછી તેમના સંબંધોમાં ખટાશ આવવા લાગી. આ પછી વિનોદ ખન્ના અને ગીતાંજલિએ ડિવોર્સ લેવાનો નિર્ણય કર્યો હતો. 1985માં વિનોદ ખન્નાએ ગીતાંજલિને ડિવોર્સ આપી દીધા. પણ કેવો સંયોગ છે કે એ જ વર્ષે ફિરોઝ ખાને પણ તેમની પત્ની સુંદરીને ડિવોર્સ આપીને નવું જીવન શરૂ કર્યું. બંને તેમના મજબૂત વ્યક્તિત્વ માટે જાણીતા હતા.

બંનેએ લાંબા સમય સુધી સાથે કામ કર્યું અને પોતાની મિત્રતા જાળવી રાખી. પરંતુ નવાઈની વાત એ હતી કે બંનેએ એક જ બીમારીને કારણે એક જ તારીખે આ જગતને અલવિદા કહ્યું. ફિરોઝ ખાનને કેન્સર હતું અને 2009માં 27 એપ્રિલે તેમનું અવસાન થયું હતું. વિનોદ ખન્ના પણ તેમના છેલ્લા દિવસોમાં કેન્સરથી પીડાતા હતા અને 2017માં 27 એપ્રિલે તેમનું નિધન થયું હતું.

 

LEAVE A REPLY