શ્રીલંકામાં ભારત, શ્રીલંકા અને સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ્સ વચ્ચે ત્રિકોણિયા સીરીઝ રમાઈ રહી છે, જેમાં રવિવારે શ્રીલંકાએ ભારતને છેલ્લી ઓવરમાં ત્રણ વિકેટે હરાવી સાત વર્ષમાં પહેલીવાર ભારત સામે વિજય હાંસલ કર્યો હતો. સીરીઝની અગાઉની ત્રણ મેચમાં ભારતે બન્ને હરીફોને એક-એકવાર હરાવ્યા હતા, તો શ્રીલંકાએ પણ સાઉથ આફ્રિકાની મહિલા ટીમ સામે એક વિજય નોંધાવ્યો હતો.
ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતાં 9 વિકેટે 275 રન કર્યા હતા, જેમાં રીચા ઘોષના 48 બોલમાં 58 રન મુખ્ય હતા, તો શ્રીલંકા તરફથી સુગંદિકા કુમારી અને ચમારી અટાપટુએ 3-3 વિકેટ લીધી હતી. શ્રીલંકા તરફથી નિલાક્ષિકા સિલ્વાએ 33 બોલમાં 56 અને હર્ષિથા સમરવિક્રમાએ 61 બોલમાં 53 રન કર્યા હતા, તો ભારત તરફથી સ્નેહ રાણાએ 45 રનમાં 3 વિકેટ લીધી હતી. નિલાક્ષિકાને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાઈ હતી.
સીરીઝમાં વધુ બે મેચ પછી રવિવારે ફાઈનલ રમાશે.
