કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાને વિશિષ્ટતા સાથે સેવા આપનાર અમિત જોગિયા MBE અને રીના રેન્જર OBEએ રાજીનામુ આપ્યા બાદ નવા સહ-અધ્યક્ષ તરીકે સર ઓલિવર ડોડેન CBE – સાંસદ અને કુલેશ શાહની નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે.
સર ઓલિવર ડાઉડેન વરિષ્ઠ કન્ઝર્વેટિવ સંસદસભ્ય છે અને આ અગાઉ નાયબ વડા પ્રધાન, ડચી ઓફ લેન્કાસ્ટરના ચાન્સેલર અને સ્ટેટ સેક્રેટરી ફોર ડિજિટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ્સ તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. તેઓ બ્રિટિશ ભારતીય સમુદાયના લાંબા સમયથી મિત્ર છે.
જ્યારે લંડન ટાઉન ગ્રુપના સ્થાપક કુલેશ શાહ ખૂબ જ પ્રતિષ્ઠિત ઉદ્યોગસાહસિક, હોટેલિયર અને ફિલાન્થ્રોપિસ્ટ છે. તેઓ ફિલાન્થ્રોપી અને સમુદાયના વિકાસ સાથે સંકળાયેલા છે. વ્યવસાયિક સફળતાને સામાજિક જવાબદારી સાથે જોડવાનો તેમનો જુસ્સો તેમને બ્રિટિશ ભારતીય હિતોના શક્તિશાળી હિમાયતી બનાવે છે.
તેમની સંયુક્ત નિમણૂક કન્ઝર્વેટિવ પાર્ટી અને બ્રિટિશ ભારતીય સમુદાય વચ્ચે – યુકે અને વૈશ્વિક સ્તરે – મજબૂત સંબંધોને પ્રોત્સાહન આપવા માટે CF ઇન્ડિયાની સતત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
એક સંયુક્ત નિવેદનમાં, નવા સહ-અધ્યક્ષોએ જણાવ્યું હતું કે “આ જવાબદારી નિભાવવી અને અમિત અને રીનાના ઉત્કૃષ્ટ કાર્ય પર નિર્માણ કરવું એ એક વિશેષાધિકાર છે. બ્રિટિશ ભારતીય સમુદાયનો અવાજ સાંભળવામાં આવે, તેનું મૂલ્ય નક્કી કરવામાં આવે અને રાજકીય મુખ્ય પ્રવાહમાં તેનું પ્રતિનિધિત્વ કરવામાં કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમે તે જોડાણને વધુ ગાઢ બનાવવા, નેતાઓની આગામી પેઢીને ટેકો આપવા અને ઉદ્યોગસાહસિકતાથી લઈને જાહેર સેવા સુધી, અને સમુદાય સંવાદિતાથી લઈને ભારત સાથેના અમારા સ્થાયી સંબંધો સુધીના મૂલ્યોની ઉજવણી કરવાનું ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છીએ.”
અમિત જોગિયા MBE અને રીના રેન્જર OBEએ CF ઇન્ડિયાને વિકાસના સમયગાળા અને નવી રાષ્ટ્રીય સુસંગતતામાંથી માર્ગદર્શન આપવામાં મદદ કરી હતી. અમિત અને રીનાએ CF ઈન્ડિયાનું પાંચ વર્ષ સુધી સુકાન સંભાળ્યું હતું. તેમના નેતૃત્વમાં વૈશ્વિક રોગચાળો, બે સામાન્ય ચૂંટણીઓ, કન્ઝર્વેટિવ પાર્ટીના ચાર નેતાઓ અને બ્રિટનના ભારતીય મૂળના પ્રથમ વડા પ્રધાન ઋષિ સુનકની ઐતિહાસિક નિમણૂકનો સમાવેશ થાય છે.
2012માં લોર્ડ ડોલર પોપટ દ્વારા તત્કાલીન વડા પ્રધાન ડેવિડ કેમરન સાથે CF ઈન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. તેણે સમર્થકો અને કાર્યકરોનું એક જીવંત, સક્રિય નેટવર્ક બનાવ્યું હતું. જેનાથી દેશભરના બ્રિટિશ ભારતીયો સાથે પાર્ટીનું જોડાણ વધ્યું હતું. તેમના પ્રયાસોએ ઐતિહાસિક ચૂંટણી પરિણામોમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
