એન્ટી-મની લોન્ડરિંગ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ શુક્રવારની રાત્રે અગ્રણી ગુજરાતી અખબાર ‘ગુજરાત સમાચાર’ના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી. તપાસ એજન્સીએ દૈનિકની ઓફિસ પર દરોડા પણ પાડ્યાં હતાં.

બાહુબલી શાહ લોક પ્રકાશન લિમિટેડના ડિરેક્ટર છે. આ કંપની ગુજરાત સમાચારની માલિકી ધરાવે છે. તેમના મોટા ભાઈ શ્રેયાંશ શાહ દૈનિકના મેનેજિંગ એડિટર છે. શ્રેયાંશ શાહ દ્વારા સંચાલિત ગુજરાતી ન્યૂઝ ચેનલ GSTVના ડિજિટલ સર્વિસીસના વડા તુષાર દવેએ જણાવ્યું હતું કે EDએ શુક્રવારે વહેલી સવારે બાહુબલી શાહની અટકાયત કરી હતી. તેમને પહેલા ED VS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં અને પછી તેમની તબિયત બગડતા તેમને શહેરની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.

એન્ટી-મની લોન્ડરિંગ એજન્સીએ હજુ સુધી તેની કાર્યવાહી પાછળના કારણો અંગે કોઈ નિવેદન જારી કર્યું નથી.
આવકવેરા વિભાગે અમદાવાદમાં GSTV પરિસરમાં લગભગ 36 કલાક સુધી સર્ચ કાર્યવાહી કરી હતી. આવકવેરા અધિકારીઓ ગયા પછી તરત જ ઇડીની ટીમે પરિસરમાં દરોડા પાડ્યા હતાં.

ગુજરાત સમાચારના માલિકની ધરપકડ અંગે આકરી પ્રતિક્રિયા આપતા કોંગ્રેસે જણાવ્યું હતું કે જે કોઈ પણ સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવશે અથવા ભાજપ સાથે સમાધાન નહીં કરે તેને જેલમાં જવું પડશે.X પરની એક પોસ્ટમાં, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આક્ષેપ કર્યો હતો કે સરકાર સ્વતંત્ર મીડિયા પર દબાણ લાવી રહી છે જે લોકશાહી માટે ઘાતક છે.

LEAVE A REPLY