પ્રતિનિધિમંડળના વડા તરીકે શશિ થરૂરના નામથી કોંગ્રેસ નારાજ થઈ હતી અને સરકાર પર શરારતી માનસિકતા સાથે રાજકારણ રમવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે જણાવ્યું હતું કે સરકાર અને મુખ્ય વિપક્ષી પાર્ટી વચ્ચેનો વિશ્વાસ તૂટી ગયો છે. સરકારે પાર્ટી સાથે વિચારવિમર્શ કર્યા વગર નેતાઓના નામ જાહેર કર્યાં છે. કોંગ્રેસે આનંદ શર્મા, ગૌરવ ગોગોઈ, સૈયદ નસીર હુસૈન અને અમરિંદર સિંહ રાજા બ્રારના નામો આપ્યા હતાં, પરંતુ સરકારે થરૂર, કનિમોઝી, સંજય ઝાના નામ જાહેર કર્યાં હતાં.
જોકે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવાના કેન્દ્રના આમંત્રણને સ્વીકારવાના પોતાના નિર્ણય પર અડગ રહીને કોંગ્રેસ સાંસદ શશિ થરુરે જણાવ્યું હતું કે મને તેમાં કોઈ રાજકારણ દેખાતું નથી. મારા મતે આપણે તમામ ભારતીય છીએ. રાષ્ટ્ર સંકટમાં હોય અને કેન્દ્ર સરકાર નાગરિકની મદદ માંગે, ત્યારે તમે બીજો શું જવાબ આપશો. કોંગ્રેસ નારાજ હોવા અંગેના એક સવાલના જવાબમાં થરૂરે જણાવ્યું હતું કે મીડિયાએ આ સવાલ કોંગ્રેસને પૂછવા જોઇએ. રાષ્ટ્ર સેવા એ દરેક નાગરિકનું કર્તવ્ય છે.
