ભારત સરકાર ઓપરેશન સિંદૂર પછી આતંકવાદ સામે ઝીરો ટોલેરન્સનો દેશનો સંદેશ પહોંચાડવા માટે યુકે સહિતના દેશોમાં સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલશે. આ પ્રતિનિધિમંડળોમાં શશી થરૂર, કનિમોઝી, સુપ્રિયા સુલે સહિતના વિપક્ષી નેતાઓ પણ સામેલ થશે. ચાર પ્રતિનિમંડળના વડા સત્તાધારી પક્ષના છે, જ્યારે ત્રણ પ્રતિનિમંડળના વડા તરીકે વિપક્ષના નેતાની પસંદગી કરાઈ છે.
સત્તાધારી પક્ષ તરફથી રવિ શંકર, સંજય ઝાની પસંદગી કરાઈ છે. આ ઉપરાંત એનસીપી-એસપીના સુપ્રિયા સુલે, ભાજપના બૈજયંત ‘જય’ પાંડા અને શિવસેનાના શ્રીકાંત શિંદેના નામો નક્કી થયા છે. શનિવારે સંસદીય બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો ભારતની રાષ્ટ્રીય સર્વસંમતિ અને તમામ સ્વરૂપોમાં આતંકવાદનો સામનો કરવા માટે દૃઢ અભિગમ રજૂ કરશે.
પ્રતિનિધિમંડળો યુએનની સુરક્ષા પરિષદના 5 કાયમી સભ્યોમાંથી ચાર દેશોની મુલાકાત લેશે અને પાકિસ્તાનના મિત્ર દેશ ચીનની મુલાકાત લેશે નહીં. કોંગ્રેસના સાંસદ થરૂરના નેતૃત્વ હેઠળનું પ્રતિનિધિમંડળ અમેરિકાની મુલાકાત લેશે, જ્યારે જય પાંડાનું ગ્રુપ યુકે ફ્રાન્સ જેવા પશ્ચિમ યુરોપના દેશોની મુલાકાત લેશે. આ પ્રતિનિમંડળમાં AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસી અને ભાજપના નિશિકાંત દુબેનો સમાવેશ થાય છે. ડીએમકે સાંસદ કનિમોઝીના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ રશિયાની યાત્રા કરશે. ભાજપના સાંસદ રવિ શંકર પ્રસાદના નેતૃત્વ હેઠળનું પ્રતિનિધિમંડળ સાઉદી અરેબિયા, કુવૈત, બહેરીન અને અલ્જેરિયાની મુલાકાત લે તેવી ધારણા છે. સુપ્રિયા સુલેનું પ્રતિનિમંડળ ઓમાન, કેન્યા, દક્ષિણ આફ્રિકા અને ઇજિપ્તની યાત્રા કરશે.
