ન્યુ યોર્ક આર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટમાં નવલકથાકાર સલમાન રશ્દીને સ્ટેજ પર છરી મારીને આંશિક રીતે અંધ કરનાર હુમલાખોરને શુક્રવારે 25 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. 2022માં થયેલા આ હુમલામાં બીજા એક વ્યક્તિને પણ ઇજા થઈ હતી.
ફેબ્રુઆરીમાં ન્યુ યોર્કના મેવિલે સ્થિત ચૌટૌક્વા કાઉન્ટી કોર્ટમાં ન્યુ જર્સીના ફેરવ્યુના રહેવાસી 27 વર્ષીય હાદી માતરને લેખક પર હુમલો કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો.
ભારતના મુસ્લિમ કાશ્મીરી પરિવારમાં જન્મેલા નાસ્તિક રશ્દીને માથા, ગરદન, ધડ અને ડાબા હાથમાં છરી વડે અનેક વાર ઘા કરવામાં આવ્યા હતા. આ હુમલામાં તેમની જમણી આંખની રોશની જતી રહી હતી. તેમના લીવર અને આંતરડાને નુકસાન થયું હતું. સજા સંભળાતા પહેલા માતરે અભિવ્યક્તિની આઝાદી અંગે એક નિવેદન આપ્યું હતું અને રૂશ્દીને પાખંડી ગણાવ્યાં હતાં.
