ભારતના સિલિકોન વેલી ગણાતા બેંગલુરુમાં છેલ્લા ૩૬ કલાકથી ભારે વરસાદને કારણે મંગળવારે પણ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. રસ્તાઓ પર ઘૂંટણ સમા પાણી ભરાયા હતાં અને ઘણી જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓનો મૃત્યુઆંક વધીને 5 થયો હતો. શહેરમાં રવિવાર અને મંગળવારની રાત્રે 105 મીમી વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
શહેરમાં મુશળધાર વરસાદને કારણે સાઈ લેઆઉટ વિસ્તાર ટાપુ બની ગયો તેવું લાગતું હતું. અહીંના ઘરોના ભોંયતળિયામાં પાણી ભરાઈ ગયા હતા અને લોકો માટે બહાર નીકળવાનું મુશ્કેલ બન્યું હતું. સોમવારે લગભગ 150 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતાં.
ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓની ઓફિસો આવેલી છે તેવા માન્યતા ટેક પાર્ક અને સિલ્ક બોર્ડ જંક્શન વિસ્તારમાં લોકોએ ઘૂંટણ સુધીના પાણીમાથી પસાર થવું પડ્યું હતું. પાણી ભરાવાના કારણે વાહનો ફસાયા હતા, જેના કારણે શહેરના ઘણા ભાગોમાં લાંબા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે, શહેરના એક એપાર્ટમેન્ટમાં ઘૂસેલા વરસાદી પાણીને નિકાલ કરવાનો પ્રયાસ કરતી વખતે 12 વર્ષના બાળક સહિત બે લોકો વીજળીનો કરંટ લાગ્યો હતો.સોમવારે, મહાદેવપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એક કંપનીમાં સફાઈ કામ કરતી વખતે શશિકલા (35) પર કમ્પાઉન્ડ વોલ પડતાં તેમનું મૃત્યુ થયું હતું.અધિકારીઓએ જણાવ્યું હતું કે રાયચુર અને કારવારમાં વીજળી પડવાથી બે લોકોના મોત થયા હતા.
