યુકેમાં એપ્રિલમાં ફુગાવાનો દર વધીને 3.5 ટકા પર પહોંચ્યો હતો, જે માર્ચમાં 2.6 ટકા હતો. છેલ્લાં સવા વર્ષમાં આ દર સૌથી વધુ છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે તાજેતરમાં આ અંગેના આંકડા જાહેર કર્યા હતા. સ્થાનિક કક્ષાએ વીજળી અને પાણીના બિલમાં વધારાને પગલે ફુગાવામાં આ વધારો નોંધાયો હતો.
કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) આધારીત ફુગાવાનો દર એપ્રિલમાં 3.5 ટકા રહ્યો હતો. જાન્યુઆરી-2024 પછીથી એપ્રિલનો ફુગાવાનો દર સૌથી વધુ છે. આર્થિક વિશ્લેષકોએ ફુગાવાનો દર 3.3 ટકા રહેશે તેવો અંદાજ આપ્યો હતો જેના કરતાં પણ વાસ્તવિક ફુગાવો વધારે રહ્યો છે. આ ઉપરાંત જે પ્રમાણમાં ફુગાવો વધ્યો છે તે ઓક્ટોબર-2022 પછીથી સૌથી વધારે છે. 2022માં યુક્રેન-રશિયા યુદ્ધને કારણે ઊર્જા માટેના ખર્ચમાં ઘણો વધારો થયો હતો. આ ઉપરાંત વીજ અને પાણીની કંપનીઓ પર ઊંચા ટેક્સની અસર પણ જોવાઈ હતી અને લઘુતમ વેતનમાં નોંધપાત્ર વધારાની અસર પણ જોવાઈ હતી.
એપ્રિલના ફુગાવાને પગલે હવે સમગ્ર વર્ષ એટલે કે ડિસેમ્બર સુધી રીટેલ ફુગાવાનો દર 3 ટકાથી વધુ જ રહેશે તેવું નિષ્ણાતો માને છે. આવા સંજોગોમાં નજીકના ગાળામાં બેન્ક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા વ્યાજના દરમાં હવે વધુ ઘટાડાની સંભાવના ઘટી છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડનો ફુગાવાનો લક્ષ્યાંક 2 ટકા છે, જે હવે મુશ્કેલ જણાય છે.

LEAVE A REPLY