આવનારા સમયમાં કોરોના જેવી મહામારીની સ્થિતિ સમયે વૈશ્વિક સહકાર મજબૂત બનાવવા અને તે માટે ઝડપી પગલાં લેવાના હેતુથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા તાજેતરમાં ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. WHOના સભ્ય દેશોએ સર્વાનુમતે વિશ્વમાં પ્રથમવાર પેન્ડેમિક એગ્રીમેન્ટને સ્વીકારવા સંમતિ દર્શાવી છે. કોવિડ-19ના વૈશ્વિક પડકારો બાદ ત્રણ વર્ષની મંત્રણા પછી આ એગ્રીમેન્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
WHOમાં મહત્ત્વના નિર્ણયો લેતી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના સેશનમાં વિવિધ દેશોની સરકારોએ WHO પેન્ડેમિક એગ્રીમેન્ટનો સ્વીકાર કર્યો હતો. સોમવારે એગ્રીમેન્ટને મંજૂરી આપવા મતદાન થયું હતું, જેમાં 11 દેશો ગેરહાજર રહ્યા હતા અને હાજર રહેલા 124 દેશોએ સર્વાનુમતે આ એગ્રીમેન્ટનો સ્વીકાર કર્યો હતો. ત્યાર પછી આ એગ્રીમેન્ટની સત્તાવાર જાહેરાત થઈ હતી. WHOના ડાયરેક્ટર જનરલ ડૉ. એધાનોમ ઘેબ્રેયેસુસએ જણાવ્યું હતું કે, વિશ્વ આજે વધુ સલામત બન્યું છે અને તેનું શ્રેય સભ્ય રાષ્ટ્રોના નેતૃત્વ, સહકાર અને દૃઢ નિશ્ચયને મળે છે, જેના કારણે ઐતિહાસિક WHO પેન્ડેમિક એગ્રીમેન્ટનો સ્વીકાર થયો છે. તેમણે કહ્યુ હતું કે, તેનાથી ભવિષ્યમાં રોગચાળાના જોખમો સામે વિશ્વને વધારે સારી રીતે રક્ષણ આપી શકાશે.

LEAVE A REPLY