એશિયામાં ચીન, થાઈલેન્ડ અને સિંગાપોર જેવા કેટલાક દેશોમાં તાજેતરમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો હતો. આ દરમિયાન ભારતમાં પણ કોવિડ-19ના કેસોમાં સામાન્ય વૃદ્ધિ થઇ રહી છે. દિલ્હીના આરોગ્ય પ્રધાન પંકજસિંહે શુક્રવારે જણાવ્યું કે, પાટનગરમાં 23 નવા કેસ નોંધાયા છે. આ અંગે રાજ્ય સરકાર કોરોનાના દર્દીઓ શહેરના રહેવાસી છે કે મુસાફરીનો ઇતિહાસ ધરાવે છે તે નક્કી કરવા માટે સંક્રમણની વિગતોની તપાસ કરી રહી છે. આ સ્થિતિને ધ્યાને લઈને દિલ્હીની તમામ હોસ્પિટલમાં કોવિડ-19ના તમામ પોઝિટિવ સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે લોકનાયક હોસ્પિટલમાં મોકલવા જણાવાયું છે. હોસ્પિટલોને બેડ, ઓક્સિજન, એન્ટિબાયોટિક્સ, અન્ય દવાઓ અને રસીઓની ઉપલબ્ધતા અંગે જણાવાયું છે. વેન્ટિલેટર, Bi-PAP, ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને PSA જેવા તમામ સાધનો કાર્યરત સ્થિતિમાં હોય તે ચકાસવા સૂચના આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે દિલ્હી રાજ્ય હેલ્થ ડેટા મેનેજમેન્ટ પોર્ટલ પર તમામ પરિમાણોની દૈનિક જાણ કરવી પણ ફરજિયાત બનાવી છે.
ભારતના મહારાષ્ટ્ર, તમિલનાડુ, પુડુચેરી, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, સિક્કિમ, હરિયાણા, કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાના કેસ જોવા મળ્યા છે. કેરળમાં મે મહિનામાં 273 કોવિડ-19 કેસ નોંધાયા હોવાનું રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું હતું.
ઉત્તરાખંડ પણ કોરોના બે કેસ નોંધાયા છે. તેના કારણે ટૂંક સમયમાં જ શરૂ થયેલી ચારધામ યાત્રા મુદ્દે સરકારની ચિંતા વધી છે. ચારધામ યાત્રા માટે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દેશ-વિદેશમાંથી ઉત્તરાખંડ જાય છે. આવી સ્થિતિમાં કોરોનાનું સંક્રમણ પ્રસરવાની ચિંતા વધી છે.

LEAVE A REPLY