ભારતીય ઉદ્યોગસાહસિકો કોઇનાથી ગાંજ્યા જાય એવા નથી એની સાબીતી આપતા સ્ટેનફોર્ડના વેન્ચર કેપિટલ ઇનિશિયેટિવ દ્વારા કરાયેલા સંશોધનોમાં બહાર આવ્યું છે કે ભારત 90 યુનિકોર્ન સ્થાપકો સાથે અમેરિકા (USA)માં સફળ યુનિકોર્ન સ્થાપકોની યાદીમાં ટોચ પર છે, જેમાં ટ્રાઇનેટ ઝેનેફિટ્સના લક્સ શ્રીની અને એપડાયનેમિક્સના જ્યોતિ બંસલનો સમાવેશ થાય છે. ઇઝરાયલ 52 સ્થાપકો સાથે બીજા નંબરે અને 42 સ્થાપકો સાથે કેનેડા ત્રીજા નંબરે છે.
આ સંશોધન મુજબ ઇમિગ્રન્ટ ઉદ્યોગસાહસિકો યુએસની ઇનોવેશન ઇકોસિસ્ટમમાં યોગદાન આપવા ઉપરાંત તેનું નેતૃત્વ કરવામાં પણ મદદ કરી રહ્યા છે. યુએસ યુનિકોર્નના સ્થાપકોમાંથી 44% ઇમિગ્રન્ટ્સ છે, જેમાં ભારતના લોકો અગ્રણી છે.
યુરોપ અને અમેરિકામાં સત્તા પર આવતી દરેક સરકારો કાયમ માટે દેશના દરેક પ્રશ્નો અને સમસ્યાઓ માટે ઇમિગ્રેશનને જવાબદાર ઠેરવી ઇમિગ્રેશન પર પ્રતિબંધ મૂકવાની દલીલો કરતી હોય છે. પણ 500 યુ.એસ. યુનિકોર્ન પાછળના 1,078 સ્થાપકોના વિશ્લેષણમાં બહાર આવ્યું છે ઓછામાં ઓછા 1 બિલીયન ડોલર્સનું મુલ્ય ધરાવતા 474 એટલે કે 44% સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન યુનાઇટેડ સ્ટેટ્સની બહાર જન્મેલા લોકો દ્વારા સ્થાપવામાં આવ્યા હતા. એનો અર્થ એ થાય કે અમેરિકાના લગભગ અડધા સૌથી સફળ ઉદ્યોગસાહસિકો બીજા દેશોમાંથી આવ્યા હતા.
આ સંશોધન પોલીસી મેકર્સને સ્પષ્ટ સંદેશ આપે છે કે ઉચ્ચ-વૃદ્ધિ ધરાવતી કંપનીઓ બનાવવામાં અમેરિકાની ધાર જાળવવા માટે વૈશ્વિક પ્રતિભાને આકર્ષિત કરવી અને જાળવી રાખવી મહત્વપૂર્ણ છે.
આ સંશોધનમાં વિશ્વના છ ખંડોમાં ફેલાયેલા 65 વિવિધ દેશોમાંથી યુનિકોર્ન સ્થાપકોની ઓળખ કરવામાં આવી છે. યુરોપની વાત કરીએ તો યુકેના 31, જર્મનીના 18, ફ્રાન્સના 17  સ્થાપકો છે. બેલ્જિયમ, નેધરલેન્ડ્સ, સ્પેન અને અન્ય દેશોના ક્લસ્ટરો જૂજ છે.
એશિયાના યુનિકોર્ન સ્થાપકોમાં ભારત સૌથી ટોચ પર છે અને તે પછી ચીન 27 અને તાઇવાન 12 સ્થાપકો ધરાવે છે. જાપાન, પાકિસ્તાન અને અન્યનું યોગદાન ઓછું છે. આ જ રીતે બ્રાઝિલ 9, આર્જેન્ટિના 4, ગ્વાટેમાલા 2; દક્ષિણ આફ્રિકા 5 અને ઝિમ્બાબ્વે 2; ઓસ્ટ્રેલિયા 8 અને ન્યુઝીલેન્ડ 6 સ્થાપકો ધરાવે છે.
મોટાભાગના દેશોના આ સ્થાપકો પોતાની પ્રતિભા સાથે એક આગવો દ્રષ્ટિકોણ પણ લાવ્યા હતા અને તકો શોધવામાં મદદ કરી હતી.
અમેરિકામાં લોકો જ નહિં કંપનીઓ પણ પોતાનું સ્થળાંતર કરે છે. ડેટા દર્શાવે છે કે હાલની 1,108 માંથી 88 એટલે કે 8% યુ.એસ. યુનિકોર્ન કંપનીઓએ પોતાની શરૂઆત યુએસની બહાર કરી હતી અને પછી યુ.એસ.માં સ્થળાંતર કર્યું હતું. યુ.એસ.માં સ્થળાંતર કરનારા ઇઝરાયલી સ્ટાર્ટઅપ્સ માટે યુનિકોર્નનો દરજ્જો પ્રાપ્ત કરવાની શક્યતા ઇઝરાયેલ કરતા અમેરિકામાં 9 ગણી વધુ હતી. તો ભારતીય સ્ટાર્ટઅપ્સને યુ.એસ.માં સ્થળાંતર કરવાથી 6.5 ગણો અને યુ.કે.ની કંપનીઓને 2.5 ગણો ફાયદો થયો હતો. યુએસની બહાર સ્થપાયેલા અને યુએસમાં આવી સફળતા મેળવનાર સ્ટાર્ટઅપ્સમાં ઇઝરાયેલ 29ના આંક સાથે પહેલા, બ્રિટન 8 આંક સાથે બીજા અને ભારત 7 આંક સાથે ત્રીજા ક્રમે છે.
કેલિફોર્નિયા વિશ્વભરના યુનિકોર્નને આકર્ષિત કરતું ચુંબક રહ્યું છે. ઇઝરાયલની યુનિકોર્ન માટે, ન્યુ યોર્ક ઘણીવાર કેલિફોર્નિયા કરતાં વધુ આકર્ષક સાબિત થાય છે. યુ.એસ.ના 15% યુનિકોર્નોએ સ્થાપના અને યુનિકોર્નનો દરજ્જો પ્રાપ્ત કરવા વચ્ચે ઓછામાં ઓછું એક વખત તેમનું હેડ ક્વાર્ટર બદલ્યું છે. સૌથી વધુ વારંવાર બદલાતા સ્થળોમાં કેલિફોર્નિયા, ન્યુ યોર્ક, મેસેચ્યુસેટ્સ અને ટેક્સાસનો સમાવેશ થાય છે.
સ્થળની પસંદગી માટે સ્થાનિક ઇકોસિસ્ટમ, રેગ્યુલેશન્સ, અને ટેલેન્ટ કોસ્ટ બધા સ્ટાર્ટઅપની સફળતાનું પરિબળ છે. આ યુ.એસ. યુનિકોર્ન ફક્ત સ્થાનિક રીતે જ નહીં, પણ વૈશ્વિક સ્તરે પ્રતિભાને રોજગારી આપે છે.
કેલિફોર્નિયા સ્થિત 191 યુનિકોર્ન કર્મચારી સ્થળોના વિશ્લેષણમાં જણાયું હતું કે તેમના 375,000 કર્મચારીઓમાંથી ફક્ત 38% ખરેખર કેલિફોર્નિયામાં હતા. પણ લગભગ ત્રીજા ભાગના યુ.એસ.માં અન્ય સ્થળે અને બાકીના ત્રીજા
ભાગના વિદેશમાં વસતા હતા.
ઇઝરાયલી ઇમિગ્રન્ટ્સ માથાદીઠ સૌથી વધુ દરે યુનિકોર્ન બનાવે છે. ઇઝરાયલ નાટકીય રીતે આગળ છે, પ્રતિ 100,000 પ્રથમ પેઢીના ઇઝરાયલી ઇમિગ્રન્ટ્સ દીઠ 43.4 યુનિકોર્ન સ્થાપકો હતા. ન્યુઝીલેન્ડ 37.3 અને બેલ્જિયમ 24.4 યુનિકોર્ન સ્થાપકો ધરાવે છે. તુલનાત્મક રીતે, ભારતનો દર પ્રતિ 100,000 પ્રથમ પેઢીના ઇમિગ્રન્ટ્સ દીઠ માત્ર 2.5 છે, જ્યારે કેનેડાનો દર 5.3 છે.
જો કે આ આંકડા ભારતના યોગદાનને ઘટાડતા નથી. ભારતના 90 યુનિકોર્ન સ્થાપકો હજુ પણ કોઈપણ દેશમાંથી આવતા લોકો કરતા સૌથી વધુ સંપૂર્ણ સંખ્યા ધરાવે છે. પરંતુ તે સૂચવે છે કે શિક્ષણ, પ્રોફેશનલ નેટવર્ક અને મૂડીની પહોંચ જેવા પરિબળોથી પ્રભાવિત, અમેરિકામાં ઉદ્યોગસાહસિક સફળતા માટે વિવિધ ઇમિગ્રન્ટ સમુદાયો અલગ અલગ માર્ગો ધરાવી શકે છે.
સંશોધનમાં સ્પષ્ટ થયું છે કે અમેરિકાની ઇનોવેશન ઇકોસિસ્ટમ વૈશ્વિક પ્રતિભાને ખીલવે છે. યુ.એસ.માં જન્મેલા અને ઇમિગ્રન્ટ સ્થાપકો વચ્ચે લગભગ સમાન વિભાજન એક શક્તિશાળી પૂરકતા સૂચવે છે – વિવિધ પૃષ્ઠભૂમિ અને દ્રષ્ટિકોણ એકલા કરતાં વધુ કંઈક બનાવવા માટે સંયોજન કરે છે.
આ અભ્યાસ માટે પ્રાથમિક ખાનગી રાઉન્ડમાં $1 બિલિયનથી વધુનું પોસ્ટ-મની વેલ્યુએશન્સ પ્રાપ્ત કર્યું હોય અથવા 1997 અને 2021 વચ્ચે $1 બિલિયનથી વધુના વેલ્યુએશન્સ મૂલ્યાંકન પર લિક્વિડિટી ઇવેન્ટ (જેમ કે IPO અથવા એક્વિઝિશન) કરી હોય તેને ધ્યાનમાં લેવાયા હતા. યુનિકોર્ન યાદી બનાવવા માટે, ક્રન્ચબેઝ અને ટેકક્રન્ચ અને વેન્ચરસોર્સની મદદ લેવામાં આવી હતી. આ સંશોધન માટે કુલ 4,975 સ્થાપકોને ઓળખી વિવિધ ડેટા એક્સરસાઈઝ અને ડેટાના સબસેમ્પલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY