(ANI Photo)

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં હળવાથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે સોમવારે સતત બીજા દિવસે ઘણા વિસ્તારોમાં આંધી-તોફાન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. સોમવારે અમદાવાદ,રાજકોટ, ભાવનગર અને બોટાદના વાતાવરણમાં પલટો આવ્યો આવ્યો હતો અને આંધી આવી હતી. કેટલાંક વિસ્તારોમાં કરા પડ્યાના પણ અહેવાલ મળ્યાં હતાં.

અમદાવાદમાં સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને શહેરના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરી ઉડવાની સાથે ભારે પવન ફૂંકાયો હતો. ઉનાળાની ઋતુમાં માવઠું થતાં જુવાર, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકને મોટાપાયે નુકશાન થવાની શક્યતા છે.

બોટાદ તાલુકાના પીપરડી, પાળીયાદ ગામ સહિત રાણપુર તાલુકાના રાણપુર સહિત મોટી વાવડી ગામે કમોસમી વરસાદ વરસાદ નોંધાયો હતો. રાજકોટના પારડી, વિંછીયા સહિતના વિસ્તારોમાં પણ કરા, પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો.

રવિવારે ભરઉનાળે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર સહિતના જિલ્લાના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદથી ઉનાળાની કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળી હતી, પરંતુ તેનાથી ખાસ કરીને ઉભા પાક અને ખુલ્લામાં રાખેલા પાકને નુકસાન થયું હતું. મહીસાગરમાં વીજળી પડતાં બે પશુના મોતના અહેવાલ આવ્યા હતાં. બનાસકાંઠા જિલ્લામાં વીજળીના કડાકા સાથે કરા પણ પડ્યાં હતાં.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરીને જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં 3-5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. 7 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા અને સુરત જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. IMDના જણાવ્યા મુજબ મુજબ ગુજરાતના દરિયાકાંઠાને અડીને આવેલા ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્રમાં ૫૦-૫૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ઊંચા મોજા ઉછળી શકે છે.

 

LEAVE A REPLY