REUTERS/Lisi Niesner

અમેરિકાની કોકો ગોફે ફિલિપ કાર્ટિયર કોર્ટ ખાતે શનિવારે રમાયેલી ફ્રેન્ચ ઓપન વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં બેલારુસની પ્રથમ ક્રમાંકિત આર્યના સબાલેન્કોને હરાવીને ફ્રેન્ચ ઓપનમાં પ્રથમ વખત ચેમ્પિયન બની હતી. આની સાથે 2015માં સેરેના વિલિયમ્સ પછી પેરિસમાં સિંગલ્સ ટ્રોફી જીતનારી તે પ્રથમ અમેરિકન બની હતી.

પ્રથમ સેટ ટાઈબેકરમાં પહોંચ્યા પછી 21 વર્ષીય કોકો ગોફે સબાલેન્કોને ૬-૭ (૫-૭), ૬-૨, ૬-૪થી હરાવવા માટે બે કલાક ૩૮ મિનિટનો સમય લીધો હતો. ફાઈનલ મુકાબલામાં સબાલેન્કોએ છ તથા કોકો ગોફે આઠ ડબલ ફોલ્ટ કર્યા હતા. સબાલેન્કોએ મેચમાં ૧૮૪ કિલોમીટર પ્રતિ કલાકની તથા કોકો ગોફે ૧૯૯ કિલોમીટર પ્રતિ કલાકની મેક્સિમમ સ્પિડ સાથે સર્વિસ કરીને એકબીજાને સતત દબાણ હેઠળ રાખી હતી. સબાલેન્કોએ ૧૩માંથી છ તથા ગોફે ૨૧માંથી નવ બ્રેક પોઈન્ટ પોતાની તરફેણમાં કર્યા હતા.

સબાલેન્કોએ સેમિફાઈનલમાં સતત ત્રણ વર્ષથી ચેમ્પિયન બનેલી પોલેન્ડની ઇગા સ્વિયાતેકને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો પરંતુ તે કારકિર્દીમાં વધુ એક વખત ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ જીતવાથી વંચિત રહી હતી.

LEAVE A REPLY