ગુજરાતમાં ઉનાળુ વેકેશન પછી સોમવાર, 9 જૂનથી રાજયની આશરે 54,000 સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો હતો. 2024-25ના 35 દિવસના ઉનાળું વેકેશન પછી ફરી એકવાર રાજ્યના સ્કૂલ કેમ્પસમાં 1.15 કરોડ જેટલા બાળકોએ અભ્યાસ શરૂ કર્યો હતો. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે શાળાએ પહોંચ્યા હતા.વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક સ્વાગત કરાયું હતું. વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં પ્રાર્થના શરૂ કરી નવા સત્રનો શુભારંભ કર્યો હતો.
2025-26ના પ્રથમ સત્રમાં શિક્ષણકાર્ય માટે 105 દિવસ અને બીજા સત્રમાં 144 દિવસની ફાળવણી કરાઈ છે.
શિક્ષણ બોર્ડના કેલેન્ડર મુજબ નવા વર્ષનું પ્રથમ સત્ર 9મી જૂન-2025થી 15મી ઓક્ટોબર-2025 સુધી ચાલશે. તેની બાદ 16મી ઓક્ટોબર-2025થી 5મી નવેમ્બર-2025 સુધી કુલ 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. 6ઠ્ઠી નવેમ્બર-2025થી કુલ 144 દિવસના બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે જે 3જી મે 2026 સુધી ચાલશે. 4થી મે 2026ના રોજ 35 દિવસનું ઉનાળું વેકેશન આપવામાં આવશે જે 7મી જૂન-2026 સુધી ચાલશે.
