
વિશ્વમાં બીજા ક્રમના ટેનિસ ખેલાડી, સ્પેનના કાર્લોસ અલ્કારાઝે રવિવારે (8 જુન) ફ્રેન્ચ ઓપનનો પુરુષોની સિંગલ્સનો ખિતાબ સતત બીજા વર્ષે પ્રાપ્ત કર્યો હતો. રોલેન્ડ ગેરોસના ફિલિપ ચેટિયર કોર્ટ ઉપર રમાયેલી ફાઈનલમાં કાર્લોસ અલ્કારાઝે વિશ્વના પ્રથમ ક્રમના તેના હરીફ, ઈટાલીના જેનિક સિનરને 4-6, 6-7 (4), 6-4, 7-6 (3), 7-6 (2)થી હરાવ્યો હતો. સિનર આ વર્ષે પહેલીવાર ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં પહોંચ્યો હતો.
અલ્કારાઝ અને સિનર વચ્ચેની આ ફાઇનલ 5 કલાક 29 મિનિટ ચાલી હતી, જે ફ્રેન્ચ ઓપનના ઇતિહાસમાં સૌથી લાંબી ફાઇનલ બની હતી. અલ્કારાઝ માટે તેના કરિયરનો પાંચમો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ હતો. તેણે અત્યાર સુધીમાં બે વિમ્બલ્ડન (2023, 2024), બે ફ્રેન્ચ ઓપન (2024, 2025) અને એક યુએસ ઓપન (2022) ટાઈટલ જીત્યા છે.
જેનિક સિનર સતત પાંચમીવાર અલ્કારાઝ સામે હારી ગયો હતો. એકંદરે, બન્ને વચ્ચે અત્યાર સુધીમાં 12 મુકાબલા થયા છે, જેમાંથી અલ્કારાઝ 8માં વિજેતા રહ્યો હતો.
અમેરિકાની કોકો ગોફ મહિલા સિંગલ્સ ચેમ્પિયન
શનિવારે રમાયેલી મહિલા સિંગલ્સની ફાઈનલમાં અમેરિકાની 21 વર્ષની કોકો ગોફે તેની બેલારૂસની 27 વર્ષની હરીફ આર્યાના સબાલેન્કાને 6-7 (5-7), 6-2, 6-4થી હરાવી પોતાનું ફ્રેન્ચ ઓપનનું પ્રથમ ટાઈટલ હાંસલ કર્યું હતું. સબાલેન્કા આ ટુર્નામેન્ટ માટે પ્રથમ ક્રમાંકિત હતી અને આ અગાઉ પણ ત્રણ ગ્રાંડ સ્લેમ ટાઈટલ હાંસલ કરી ચૂકી છે.
ઈટાલીની એરાની, પાઓલિનિના શિરે મહિલા ડબલ્સનો તાજ
ઈટાલીની સારા એરાની અને જાસ્મીન પાઓલિનિએ રવિવારે મહિલા ડબલ્સની ફાઈનલમાં એન્ના ડોનિલિના – એલેકસાન્ડ્રા ક્રુનિકની જોડીને હરાવી ફ્રેન્ચ ઓપન મહિલા ડબલ્સનો તાજ ધારણ કર્યો હતો. ઓલિમ્પિક્સની ગોલ્ડ મેડલ વિજેતા જોડીએ હરીફોને 6-4, 2-6, 6-1થી હરાવ્યા હતા. એરાની માટે તેનું ફ્રેન્ચ ઓપનનું આ બીજું ટાઈટલ હતું. અગાઉ તે રોબર્ટા વિન્સી સાથે બાકીની ત્રણ ગ્રાન્ડ સ્લેમ્સ – યુએસ ઓપન, વિમ્બલ્ડન તથા ઓસ્ટ્રેલિયન ઓપનના તાજ ધારણ કરી ચૂકી છે.
એરાની – આન્દ્રે વાવાસોરી મિક્સ્ડ ડબલ્સમાં ચેમ્પિયનઃ
ફ્રેન્ચ ઓપન મિક્સ્ડ ડબલ્સમાં પણ ઈટાલીયન જોડી સારા એરાની અને આન્દ્રે વાવાસોરી ગયા સપ્તાહે ગુરૂવારે અમેરિકન જોડી ટેલર ટાઉન્સેન્ડ – ઈવાન કિંગને સીધા સેટ્સમાં 6-4, 6-2થી હરાવી ચેમ્પિયન બન્યા હતા. ગયા વર્ષે આ બન્ને યુએસ ઓપન મિક્સ્ડ ડબલ્સનો તાજ હાંસલ કરી ચૂક્યા હતા.
માર્સેલ ગ્રેનોલર્સ – હોરાસીઓ ઝેબાલોસ પુરૂષોના ડબલ્સના વિજેતાઃ
પીઢ હરીફો, સ્પેનના 39 વર્ષના માર્સેલ ગ્રેનોલર્સ અને આર્જેન્ટીનાના 40 વર્ષના હોરાસીઓ ઝેબાલોસ પુરૂષોના ડબલ્સ ચેમ્પિયન બન્યા હતા. તેમણે બ્રિટિશ જોડી જો સેલિસબરી – નીલ સ્કુપસ્કીને 6-0, 6-7 (5), 7-5થી હરાવી હતી. આ વિજેતા જોડી 2019માં યુએસ ઓપન તથા 2021 અને 2023માં વિમ્બલ્ડનમાં રનર્સ અપ રહી હતી.
