અમેરિકાના લોસ એન્જેલસમાં ઇમિગ્રેશન વિરોધી હિંસા વકરી છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રેશન વિરોધી દેખાવોને કાબુમાં લેવા નેશનલ ગાર્ડ્સને શહેરની શેરીઓમાં ઉતાર્યા પછી રવિવારે હિંસા વધુ વકરી હતી. દેખાવકારોએ મુખ્ય ફ્રીવે અવરોધ્યા હતા અને સંખ્યાબંધ વાહનોમાં તોડફોડ કરવા સાથે આગ ચાંપી દીધી હતી. દેખાવકારોની હિંસાને કાબુમાં લેવા માટે સુરક્ષા દળોએ ટિયર ગેસ, રબર બુલેટ્સ અને ફ્લેશ બેંગ્સનો સહારો લીધો હતો.
હિંસા કાબુમાં લેવા માટે પોલીસે શહેરમાં પેટ્રોલિંગ શરુ કર્યુ હતું. કેટલાક જવાનોએ ઘોડા પર સવાર થઇ પેટ્રોલિંગ કર્યુ હતું તો કેટલાક સ્થળો પર જવાનો તોફાન વિરોધી વસ્ત્રોમાં સજ્જ થઇને નેશનલ ગાર્ડ઼્સની પાછળ સજ્જ મુદ્રામાં જણાયા હતા. તંત્ર દ્વારા ડિટેન્શન સેન્ટર્સ સહિતની ફેડરલ ફેસિલિટીસની સુરક્ષા માટે નેશનલ ગાર્ડ્સ ખડકાયા છે. આ ડિટેન્સન સેન્ટર્સમાં તાજેતરમાં જ પકડાયેલા કેટલાક ઇમિગ્રન્ટ્સને રખાયા છે. ટ્રમ્પ તંત્રે ગેરકાયદે ઇમિગ્રેશન વિરુદ્ધ તવાઈ લાવતાં દેખાવો અને હિંસાનો દોર શરૂ થયો હતો અને ત્યારબાદ તંત્ર દ્વારા નેશનલ ગાર્ડ્સ ખડકવામાં આવતા સ્થાનિકોમાં ભય અને આક્રોશ પણ ફેલાયો હતો.
રવિવારે બપોર સુધીમાં તો સેંકડો લોકો લોસ એન્જલિસ સ્થિત મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટર ખાતે એકઠા થઇ ગયા હતા. દેખાવકારોએ નેશનલ ગાર્ડ્સ વિરુદ્ધ શરમ કરો, શરમ કરો અને પાછા જાવના સૂત્રો પોકાર્યા હતા. કેટલાક દેખાવકારો ગાર્ડ્સની નજીક પહોંચી ગયા ત્યારે યુનિફોર્મમાં સજ્જ અન્ય અધિકારીઓ તે દેખાવકારોના જૂથ તરફ આગળ વધ્યા હતા અને તેમણે દેખાવકારોને ભગાડવા સ્મોક કેનિસ્ટર્સનો પ્રયોગ કર્યો હતો. તે બાદ પોલીસે ટોળાને કાબુમાં લેવા માટે બળપ્રયોગ કર્યો હતો. ટોળાએ 101 ફ્રીવેને અવરોધતાં કેલિફોર્નિયા હાઇવે પેટ્રોલ વિભાગના અધિકારીઓએ હાઇવે પર પહોંચીને ભીડને વિખેરી હાઇવે ખોલાવ્યો હતો.
રવિવારે સવારથી નેશનલ ગાર્ડના સૈનિકો લોસ એન્જલસ આવવા લાગ્યાં હતાં. કેલિફોર્નિયાના પેરેમાઉન્ટમાં ગૃહ વિભાગ નજીક શનિવારે હોમલેન્ડ સિક્યોરિટી વિભાગની ઓફિસમાં ફેડરલ એજન્ટ્સ હતા તેવા સમયે જ લોસ એન્જલસની દક્ષિણે પેરેમાઉન્ટના લેટિનો સિટીમાં ઉગ્ર દેખાવો થયા હતા.
દેખાવકારોને વિખેરવા નેશનલ ગાર્ડ્સે ટીયર ગેસના શેલ, ફ્લેશ બેન્ગ વિસ્ફોટકો અને આંખમાં બળતરા થાય તેવો મરી-મરચાંના ભૂકાનો છંટકાવ કર્યો હતો. દેખાવકારોએ બોર્ડર પેટ્રોલના વાહનો પર પથ્થરો અને સિમેન્ટનો મારો કર્યો હતો. ઉપરાંત રસ્તા પર ટાયરો સળગાવ્યા હતા અને આગ લગાવી ધૂમાડા કર્યા હતા.
ઈમિગ્રેશન વિભાગના અધિકારીઓ પોલીસ સાથે મળીને સમગ્ર દેશમાં ગેરકાયદે વસાહતીઓને પકડવાનું અભિયાન ચલાવી રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે લોસ એન્જલસમાંથી આ સપ્તાહે કથિત રીતે 118 ગેરકાયદે વસાહતીઓની ધરપકડ કરાઈ છે. સ્થાનિક લોકો આ કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે.
લોસ એન્જલસમાં ઈમિગ્રેશન વિભાગના દરોડા સમયે ગુરૂવારે 44થી વધુ લોકોની અટકાયત કરાઈ હતી. ત્યાર પછી શુક્રવારથી શરૂ થયેલા હિંસક દેખાવો શનિવારે પણ ચાલુ રહ્યા હતા. દેખાવકારોની હિંસાને ડામવા માટે સંરક્ષણ વિભાગે ફેડરલ લો એન્ફોર્સમેન્ટની મદદ માટે નેશનલ ગાર્ડ તેનાત કરવાનું શરૂ કરી દીધું હતું.
બીજી બાજુ, એફબીઆઈના ડાયરેક્ટર કાશ પટેલે દેખાવકારોને ઈમિગ્રેશન વિભાગના અધિકારીઓ સાથે ઘર્ષણમાં ઉતરવા સામે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, જે કોઈપણ પોલીસ કર્મચારીઓ પર હુમલો કરશે તેમણે જેલમાં જવું પડશે. હોમલેન્ડ સુરક્ષા વિભાગે કહ્યું કે, 1000 દેખાવકારોએ એક ફેડરલ લો એન્ફોર્સમેન્ટ સેન્ટરને ઘેરી લીધું હતું અને આઈસીઈ એજન્ટો પર હુમલો કરી ઈમારતને નુકસાન પહોંચાડયું છે. અમેરિકન ગૃહ સુરક્ષા સચિવ ક્રિસ્ટી નોએમે કહ્યું કે, તમે કોઈપણ કાયદાનો અમલ કરનારા અધિકારી પર હુમલો કરશો તો તમારા પર કેસ થશે. એજન્સી સરકારી વાહનો પર પથ્થર ફેંકનારાઓની ઓળખ કરી રહી છે.
રમખાણોને કચડી નાંખવા માટે પ્રમુખ ટ્રમ્પે 2000 નેશનલ ગાર્ડ્સ તૈનાત કર્યા છે ત્યારે કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમે ટ્રમ્પના આ પગલાંનો વિરોધ કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી લખ્યું કે, રીપબ્લિકન પ્રમુખનું આ પગલું ઈરાદાપૂર્વકની ઉશ્કેરણી છે અને તેનાથી માત્ર તણાવ વધશે. આ ખોટું મિશન છે અને તેનાથી જનતાનો સરકાર પર વિશ્વાસ ખતમ થશે.
લોસ એન્જલસના માટે સોશિયલ મીડિયા પર મેયર કારેન બાસને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે અને તેમની ધરપકડ કરવાની માગણી થઈ રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ રમખાણો મેયરે જ શરૂ કરાવ્યા છે.
કેલિફોર્નિયાના ગર્વનર ગેવિન ન્યૂસમે પ્રમુખ ટ્રમ્પને પત્ર લખીને જણાવ્યુ હતું કે નેશનલ ગાર્ડ્સની હાજરીને કારણે શહેરમાં તંગદીલી વધી રહી છે. તેમણે ટ્રમ્પને સત્તાવાર રીતે વિનંતી કરી હતી કે નેશનલ ગાર્ડ્સ પરત ખેંચી લેવામાં આવે તેમણે નેશનલ ગાર્ડ્સની તૈનાતીને રાજ્યના સાર્વભૌમત્વનો ગંભીર ભંગ ગણાવ્યો હતો. ન્યૂસમે નેશનલ ગાર્ડ્સની તૈનાતીના આદેશને સરમુખત્યારશાહી કૃત્ય અને ગેરકાયદે ગણાવ્યું હતું. તેમણે ટ્રમ્પ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ સંકટ ઉભું કરવાના પ્રયાસ કરી રહ્યા છે અને સાથે જ કેલિફોર્નિયા રાજ્યના સાર્વભૌમત્વનો પણ ભંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આ પ્રકારના કૃત્યો સરમુખત્યારના કૃત્યો છે નહીં કે કોઇ પ્રમુખના. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે માસ્ક પહેરેલા દેખાવકારોની ધરપકડ કરવાના આદેશ આપ્યા હતા.
