અમેરિકાના લોસ એન્જલસમાં ઇમિગ્રેશન અધિકારીઓના વ્યાપક દરોડા પછી સુરક્ષા દળો અને ઇમિગ્રન્ટ્સ વચ્ચે ચાલુ થયેલી અથડામણો સોમવાર, 9 જૂને સતત ચોથા દિવસે ચાલુ રહેતા પ્રેસિડન્ટે સોમવાર, 9 જૂને વધુ 2,000 નેશનલ ગાર્ડ તથા 700 મરિન કમાન્ડો તૈનાત કરવાનો નિર્ણય કર્યો હતો. સરકારે શંકાસ્પદ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર દરોડા વધુ તીવ્ર બનાવ્યાં હતાં. તેનાથી રસ્તા પર લોકોએ વધુ ઉગ્ર વિરોધ કર્યો હતો.
રવિવારે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે નેશનલ ગાર્ડના 2,000 સૈનિકો તૈનાત કર્યા હતાં. સોમવારે દેખાવકારોને વિખેરી નાંખવા માટે પોલીસે ફ્લેશ બેંગ અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (USICE)ના અધિકારીઓએ શુક્રવારે ઇમિગ્રેશન સંબંધિત શ્રેણીબદ્ધ હાઇ-પ્રોફાઇલ દરોડા પાડ્યા પછી લોસ એન્જલસ વિરોધ ભભૂકી ઉઠ્યો હતો અને દેખાવકારો રસ્તા પર આવી ગયા હતાં. પોલીસે રવિવારે ઓછામાં ઓછા 10 અને અગાઉના દિવસે 29 લોકોની ધરપકડ કરી હતી. અમેરિકાના ઓછામાં ઓછા અન્ય નવ શહેરોમાં વિરોધ ભભૂકી ઉઠ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, દક્ષિણ કેલિફોર્નિયા સ્થિત લગભગ 700 મરીન કમાન્ડો સોમવારે રાત્રે અથવા મંગળવારે સવારે લોસ એન્જલસ પહોંચે તેવી અપેક્ષા છે. ઇમિગ્રેશન દરોડાના વિરોધમાં રસ્તા પર દેખાવો કરતાં લોકોને કાબુમાં લેવાની ફેડરલ વ્યૂહરચનાને ભાગરૂપે આ નિર્ણય કરાયો હતો. પોલીસને મદદ કરવા લશ્કરી દળની આ તૈનાતી એક અસાધારણ પગલું છે તથા તેનો કેલિફોર્નિયા રાજ્ય અને સ્થાનિક નેતાઓ ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે.
શહેરમાં નેશનલ ગાર્ડ અને મરીનને તૈનાતી સામે કેલિફોર્નિયાએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. રાજ્યની દલીલ છે કે તે ફેડરલ કાયદા અને રાજ્ય સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરે છે.સેનેટ આર્મ્ડ સર્વિસીસ કમિટીના ટોચના ડેમોક્રેટ, સેનેટર જેક રીડે કહ્યું હતું કે પ્રેસિડન્ટ બળજબરીથી ગવર્નર અને મેયરની સત્તાનું ઉલ્લંઘન કરી રહ્યાં છે અને લશ્કરી દળોનો ઉપયોગ રાજકીય હથિયાર તરીકે કરે છે. આ અભૂતપૂર્વ પગલાથી તણાવપૂર્ણ સ્થિતિ રાષ્ટ્રીય કટોકટીમાં ફેરવાઈ જવાનું જોખમ છે.
નેશનલ ગાર્ડના સૈનિકોને ફેડરલ સરકારી ઇમારતો નજીક ગોઠવવામાં આવ્યાં હતાં. લોસ એન્જલસ પોલીસે ઘણી રેલીઓને “ગેરકાયદેસર સભાઓ” જાહેર કરી હતી. તથા કેટલાક દેખાવકારો પર કોંક્રિટ પ્રોજેક્ટાઇલ, બોટલ અને અન્ય વસ્તુઓ ફેંકવાનો આરોપ મૂક્યો હતો. રવિવારે સાંજે શહેરની એક શેરીમાં આલ્ફાબેટના વેમોની ઘણી સ્વ-ડ્રાઇવિંગ કારને આગ લગાવવામાં આવી હોવાનું વિડીયો ઈમેજોમાં જોવા મળ્યું હતું.શહેરની આસપાસના સ્થળોએ પ્રદર્શનકારીઓના જૂથો એકઠા થયા હતા, જેમાં ઘણાના હાથમાં મેક્સીકન ધ્વજ અને યુએસ ઇમિગ્રેશન અધિકારીઓની નિંદા કરતા પ્લેકાર્ડ હતાં.
અગાઉ વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે શહેરમાં વધતી જતી અરાજકતાને કાબુમાં લેવા ઓછામાં ઓછા 2,000 નેશનલ ગાર્ડ સૈનિકોને 60 દિવસ માટે તૈનાત કરવામાં આવશે.
શહેરના વધુ એક વિસ્તાર પેરામાઉન્ટમાં શનિવારે દેખાવો થયા હતાં. દેખાવકારોએ LAમાંથી ICEને બહાર કાઢો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતાં. ફેડરલ એજન્ટોએ દેખાવકારોને વિખેરી નાંખવા માટે માટે ટીયર ગેસ અને ફ્લેશ-બેંગ ગ્રેનેડનો ઉપયોગ કર્યો હતો. વિરોધીઓ મેક્સીકન ધ્વજ લહેરાવતા પણ જોવા મળ્યાં હતાં. દેખાવકારોએ એક વ્યસ્ત ચાર રસ્તા પર એક કારને આગ ચાંપી દીધી હતી. મોટરબાઈક પર સવાર એક વ્યક્તિ ઝડપથી દોડતા ફેડરલ વાહનો પર પથ્થરમારો કર્યો હતો.
