ગયા વર્ષે ઓગસ્ટમાં બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન પછી ભારત-બાંગ્લાદેશના સંબંધો કથળ્યાં છે ત્યારે હવે ભારતે શુક્રવારે બાંગ્લાદેશમાંથી શણ અને સંબંધિત ફાઇબર પ્રોડક્ટ્સની આયાત પર આકરા નિયંત્રણો લાદ્યાં હતાં.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારતના ગ્રામીણ વિસ્તારોની આર્થિક કરોડરજ્જુ ગણાતા આ ક્ષેત્રમાં ભારતીય ખેડૂતો અને મિલ કામદારોની આજીવિકાને નુકસાન પહોંચાડતી અયોગ્ય વેપાર પ્રથાઓ ચાલુ રાખવાની બાંગ્લાદેશને છૂટ આપી શકાય નહીં. ભારત એક સારા પડોશીના નાતે બાંગ્લાદેશને ભારતના બજારમાં પ્રવેશ આપ્યો હતો, પરંતુ બાંગ્લાદેશ તેનો ગેરલાભ ઉઠાવીને ભારતને આર્થિક નુકસાન કરી રહ્યું છે.
થોડા સપ્તાહ પહેલા ભારતે બાંગ્લાદેશના રેડી-મેઇડ ગાર્મેન્ટ અને બીજી કેટલાંક કન્ઝ્યુમર ગૂડ્સની આયાત પર પણ નિયંત્રણો મૂક્યાં હતાં. હવે શણ અને ફાઇબર પ્રોડક્ટસ પર નિયંત્રણો મૂકાયા છે.
સાઉથ એશિયન ફ્રી ટ્રેડ એરિયા (SAFTAની જોગવાઈઓ હેઠળ બાંગ્લાદેશથી શણ ભારતમાં ડ્યુટી ફ્રી પ્રવેશ મેળવે છે.જોકે ભારતીય શણ ઉદ્યોગ લાંબા સમયથી પડોશી દેશમાંથી શણ પ્રોડક્ટ્સ અને ખાસ કરીને યાર્ન, ફાઇબર અને
બેગના ડમ્પિંગથી મુશ્કેલીમાં મૂકાયો છે. બાંગ્લાદેશમાં જ્યુટ ક્ષેત્રને સરકાર નિકાસ સબસિડી પણ આપે છે.
ભારતના શણ ઉદ્યોગને થતા નુકસાનને ધ્યાનમાં રાખીને ડિરેક્ટોરેટ જનરલ ઓફ એન્ટિ-ડમ્પિંગ એન્ડ એલાઇડ ડ્યુટીઝ (DGAD)એ વિગતવાર તપાસ હાથ ધરી હતી અને બાંગ્લાદેશથી આવતા શણ અને સંબંધિત પ્રોડક્ટ્સ પર એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી (ADD) લાદી હતીં. પરંતુ ADD લાદવાથી આયાતમાં નોંધપાત્ર ઘટાડો થયો ન હતો.
