વિઝા માટેની લાંબીલચક કતારો અને ટ્રમ્પ વહીવટી તંત્રે ઇમિગ્રેશન સામે વધારેલી ભીંસના કારણે ભારતીયો હાલ અમેરિકાના વર્ક વિઝા મેળવવા માટે પડકારોનો સામનો કરી રહ્યા છે ત્યારે અમેરિકામાં હવે રોજગારની તક મેળવવા માગતા વ્યવસાયિકો માટે O-1 વિઝા એક સારા વિકલ્પ તરીકે ઉભરી આવ્યા છે. O-1 વિઝા સ્પેશિયલાઇઝ્ડ નોન-ઇમિગ્રન્ટ વિઝા છે જે સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ, ઉપરાંત કલા, શિક્ષણ, બિઝનેસ, એથ્લેટિક્સ અથવા ફિલ્મ કે ટેલિવીઝન ઇન્ડસ્ટ્રી જેવા ક્ષેત્રોમાં વિશેષ ક્ષમતા ધરાવતા લોકોને અપાય છે.

ઇમિગ્રેશન એક્ટ, 1990 હેઠળ સ્થાપિત આ O-1 વિઝા સતત સ્પર્ધાત્મક બની રહેલા H-1B વિઝાના વિકલ્પરૂપ જણાય છે. આ O-1 વિઝા એવી વ્યક્તિઓને અમેરિકામાં કામચલાઉ ધોરણે પ્રવેશની મંજુરી આપે છે જેમણે રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે સતત પ્રસંશા મેળવવાની સાથે જ અસાધારણ ક્ષમતાનું પ્રદર્શન કર્યુ હોય અથવા તો મોશન પિક્ચર અને ટેલિવિઝન ઉદ્યોગમાં અસામાન્ય સિદ્ધિ પ્રાપ્ત કરી હોય. આ વિઝા મેળવવા માટે અરજદાર આઠ સઘન માપદંડો પૈકી ઓછામાં ઓછા ત્રણ માપદંડો પૂરા કરતા હોવા જરૂરી છે, જેમાં મેજર એવોર્ડ્સ, સ્કોલરી પબ્લિકેશન અથવા તો પોતાના ફિલ્ડમાં વાસ્તવિક પ્રદાન.

સઘન છણાવટને કારણે જેની મંજૂરીનો દર માત્ર 37 ટકા જ છે તેવા H-1B વિઝા કરતા વિપરીત આ O-1 વિઝા હાઇ સ્કીલ્ડ પ્રતિભાઓ માટે સિસ્ટમેટિક અનિશ્ચિતતાઓને કોરાણે રાખે છે અને સાથે જ અરજદારને લાયકાત માટે વધારે ફ્લેક્સિબિલિટી પ્રદાન કરે છે કારણ કે તેમાં કોઇ ન્યૂનત્તમ પગાર અથવા સત્તાવાર ડિગ્રીની જરૂર નથી હોતી, તેમજ તે આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ અથવા મીડિયા કવરેજને વ્યક્તિની સિદ્ધિના પુરાવા તરીકે માન્યતા પ્રદાન કરે છે.

જોકે, O-1A વિઝા અરજી એચ-1બી વિઝાની તુલનામાં વધારે મોંઘી હોય છે. તેના માટે એચ-1બી વિઝા માટેની ફી કરતા 10 ગણી વધારે $10 હજારથી 30 હજાર જેટલી વિઝા ફી ચૂકવવી પડે છે. પરંતુ તેનો સફળતાનો દર 93 ટકા છે અને તે અમર્યાદિત વિસ્તાર સાથે શરૂઆતમાં ત્રણ વર્ષ માટેની માન્યતા ધરાવે છે.

અમેરિકન ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના આંકડા અનુસાર નાણાં વર્ષ 2020માં ઇશ્યૂ થયેલા 8,838 O-1 વિઝાની સામે નાણાં વર્ષ 2023માં તેની સંખ્યા વધીને 18,994 થઇ ગઇ હતી. તેમાં ભારતીયોનો હિસ્સો મોટો હતો. નાણાં વર્ષ 2023ના ડેટા અનુસાર વૈશ્વિક સ્તરે O-1A વિઝા મેળવનારા લોકોમાં ભારતીયો ત્રીજો સૌથી મોટો સમુદાય હતો તેમને 1,418 વિઝા મળ્યા હતા. તેમની આગળ બ્રિટન અને બ્રાઝિલના લોકો હતા. આ વિઝા એકલ ઉદ્યોગસાહસિક જ નહીં પરંતુ બહુરાષ્ટ્રીય કંપનીઓ જેવી કે ગૂગલ અને ટેસ્લામાં પણ લોકપ્રિય બની રહ્યા છે.

LEAVE A REPLY