ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર નજીક મંગળવારે વહેલી સવારે એક એમ્બ્યુલન્સમાં આગ ફાટી નીકળતા એક નવજાત બાળક, એક ડૉક્ટર અને બે અન્ય લોકો બળીને ભડથું થયા હતાં. મોડાસા-ધનસુરા રોડ પર રાત્રે લગભગ 1 વાગ્યે એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી.
જન્મ પછી બીમાર પડેલા એક દિવસના બાળકને મોડાસા સ્થિત હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.
પોલીસે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં બાળક, તેના પિતા જિગ્નેશ મોચી (38), અમદાવાદના ડૉક્ટર શાંતિલાલ રેંટિયા (30) અને નર્સ ભૂરીબેન માનત (23)ના મોત થયા હતાં. જિગ્નેશ મોચીના બે સંબંધીઓ અને ખાનગી એમ્બ્યુલન્સ ડ્રાઇવર સહિત અન્ય ત્રણ લોકોને દાઝી જવાથી ઇજાઓ થઈ હતી અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.
પોલીસે જાહેર કરેલા સીસીટીવી ફૂટેજમાં, એમ્બ્યુલન્સના પાછળના ભાગમાં આગ લાગવાની જાણ થતાં પેટ્રોલ પંપ પાસે એમ્બ્યુલન્સ ધીમી પડતી જોઈ શકાય છે. આગળની સીટમાં બેઠેલા ડ્રાઇવર અને જિગ્નેશ મોચીના બે સંબંધીઓ બચી ગયાં હતા, જોકે શિશુ, તેના પિતા, ડૉક્ટર અને એક નર્સ, જેઓ વાહનની પાછળની બાજુએ હતા, આગમાં બળીને મૃત્યુ પામ્યા હતાં.











