બ્રિટીશ સમર આખી દુનિયામાં તેના ખુશ્નુમા વાતાવરણ માટે વિખ્યાત છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી પડતી ગરમીએ જાણે કે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને આજે મંગળવારે તા. 1 જુલાઇના રોજ સાઉથ ઇસ્ટ ઈંગ્લેન્ડમાં ગરમીનો પારો 35 ડીગ્રી સેલ્સીયસને આંબી જાય તેવી સંભાવનાઓ છે. સમગ્ર ઈંગ્લેન્ડમાં હીટવેવના કારણે ભંયકર ગરમી પડી રહી છે. સોમવારે વિમ્બલ્ડનમાં ટેનીસ મેચ જોતા દર્શકોએ પણ ગરમીનો સામનો કર્યો હતો.
યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA) એ ઇંગ્લેન્ડના યોર્કશાયર અને હમ્બર, ઇસ્ટ મિડલેન્ડ્સ, વેસ્ટ મિડલેન્ડ્સ, ઇસ્ટ ઓફ ઇંગ્લેન્ડ, લંડન, સાઉથ ઇસ્ટ અને સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડ માટે એમ્બર હીટ હેલ્થ એલર્ટને બુધવારની સવાર સુધી લંબાવ્યું છે. આ વિસ્તરણથી NHS અને જાહેર પરિવહન સેવાઓ પ્રભાવિત થતી રહેશે.
નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડ માટે બુધવારે યલો હીટ હેલ્થ એલર્ટ પણ અમલમાં છે. મિડલેન્ડ્સના કેટલાક ઇસ્ટર્ન અને સાઉથ-ઇસ્ટર્ન ભાગોમાં પણ ગરમી રહેશે પરંતુ અન્યત્ર દિવસ ઠંડો અને વાદળછાયું રહેશે એવી આગાહી છે. સોમવારે લંડન હીથ્રોમાં 33.1 સેલ્સીયસ તાપમાન નોંધાયું હતું.
જો કે રાહતના સમાચાર એ છે કે બુધવાર સુધીમાં, સમગ્ર યુકેમાં ગરમીનો પ્રકોપ સમાપ્ત થઈ જશે એવી આગાહી છે. ઇંગ્લેન્ડના દૂર દક્ષિણ-પૂર્વ, ઉત્તર-પૂર્વ ઇંગ્લેન્ડ અને પૂર્વીય સ્કોટલેન્ડમાં પણ ભારે વરસાદ પડશે. જો કે લંડન અને આજુબાજુના વિસ્તારમાં તાપમાન ઓછામાં ઓછું 23 ડીગ્રી સેલ્સીયસ રહે તેવી આગાહી છે. ભારે ગરમીના કારણે વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટનાં ખેલાડીઓએ પોતાને ઠંડા રાખવા માટે માથા પર બરફની થેલીઓ પકડવી પડી હતી.
ગરમીના કારણે પાકના ઉત્પાદન પર અસર થવાથી ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થયો હોવાનું બ્રિટિશ રિટેલ કન્સોર્ટિયમ (BRC) એ કહ્યું છે. ફળો અને શાકભાજીના ભાવમાં વધારો થવાથી જૂનમાં વાર્ષિક ખાદ્ય પદાર્થોના ભાવમાં 3.7%નો વધારો થયો છે. જે મે મહિનામાં 2.8% હતો. ગૂસબેરીના ભાવમાં 243%નો, બ્લેકબેરીમાં 25% અને રાસબેરીમાં 15%નો અને સફરજનના ભાવમાં 7%નો વધારો થયો છે.
2025ની આ બીજી યુકે હીટવેવ છે. અત્યાર સુધીનું વર્ષનું સૌથી વધુ તાપમાન 21 જૂને સરેના ચાર્લવુડમાં નોંધાયું હતું.
આંકડા દર્શાવે છે કે યુકેમાં ‘જૂન હીટવેવ’ વધુને વધુ સામાન્ય અને તીવ્ર બની રહ્યા છે. યુકેમાં જૂન મહિનો સામાન્ય રીતે ઉનાળાના ત્રણ મહિનાઓમાં સૌથી વધુ ઠંડો મહિનો હોય છે, જેમાં સરેરાશ મહત્તમ તાપમાન લગભગ 18 ડીગ્રી સેલ્સીયસ હોય છે.
માનવ પ્રેરિત આબોહવા પરિવર્તને સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં જૂન મહિનાના હીટવેવ્સનો ભય 10 ગણો વધાર્યો છે. છેલ્લે 2017 અને 2020 માં નોંધપાત્ર ગરમીના મોજા જોવા મળ્યા છે, અને 2023નો રેકોર્ડ સૌથી ગરમ જૂનનો ખિતાબ ધરાવે છે.
જુલાઈ 2022ની રેકોર્ડબ્રેક ભારે ગરમી વખતે યુકેમાં પહેલીવાર 40 ડીગ્રી સેલ્સીયસથી વધુ તાપમાન નોંધાયું હતું. તે પહેલા જૂન 1976માં ઐતિહાસિક ગરમીના મોજાનો અનુભવ થયો હતો. તે વર્ષે જૂનમાં સાઉધમ્પ્ટનમાં 35.6 ડીગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયું હતું.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સનો અંદાજ છે કે 2022 દરમિયાન ઈંગ્લેન્ડમાં ગરમી સંબંધિત બીમારીઓને કારણે 4500 થી વધુ મૃત્યુ થયા હતા.
આ હીટવેવ શું છે?
જ્યારે કોઇ સ્થળે સતત ત્રણ દિવસ સુધી ગરમી ચોક્કસ તાપમાન સુધી પહોંચે છે ત્યારે સત્તાવાર હીટવેવ જાહેર કરવામાં આવે છે. દેશના વિવિધ ભાગોમાં આ થ્રેશોલ્ડ 25થી 28 ડીગ્રી સેલ્સીયસ સુધી બદલાય છે. આ હીટવેવ યુરોપ પરનું ઉચ્ચ દબાણ મોટા વિસ્તારમાં ફેલાઇ જવાના કારણે પરિણામે છે, જેને કેટલાક લોકો “હીટ ડોમ” કહે છે. પર્યાવરણના ફેરફારોના કારણે યુકેમાં ઉચ્ચ તાપમાન વધુને વધુ સામાન્ય બની રહ્યું છે.
વૈજ્ઞાનિકોએ આ ગરમીમાં આબોહવા પરિવર્તનની ભૂમિકા પર ભાર મૂક્યો છે, અને કહ્યું છે કે ભવિષ્યમાં ગરમીના મોજા વધુ અને વારંવાર આવશે જે વધુ ગરમ થવાની શક્યતા છે.
યુરોપમાં પણ ગરમીનું મોજું
સમગ્ર યુરોપમાં પણ ગરમીનું મોજું ચાલુ છે, જેમાં ફ્રાન્સ, સ્પેન, ઇટાલી, પોર્ટુગલ અને જર્મની આકરી ગરમીની ચેતવણોનો સામનો કરી રહ્યા છે. ફ્રાન્સમાં, પેરિસ સહિત 16 વિભાગોમાં ભારે ગરમીના કારણે રેડ એલર્ટ લાગુ કરવામાં આવી છે. તાપમાનમાં વધારો થવાથી ઇટાલીમાં બે લોકોના મોત થયા છે, જ્યારે વેસ્ટ ટર્કીમાં દાવાનળના કારણે 50,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પોર્ટુગલ અને સ્પેનના કેટલાક ભાગોમાં આ અઠવાડિયે જૂનમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન 46 ડીગ્રી સેલ્સીયસ નોંધાયું છે.
