કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે ઉબેર, ઓલા અને રેપિડો જેવા કેબ એગ્રેગેટર્સને પીક અવર્સ દરમિયાન બેઝ ભાડાના બે ગણા સુધીનું ભાડુ વસૂલ કરવાની છૂટ આપી છે. હાલમાં એપ આધારિત આ ટેક્સી સર્વિસ કંપનીઓ માટે આ મર્યાદા 1.5 ગણા ભાડાની છે. નોન પીક-અવર્સ દરમિયાન બેઝ ભાડાના ઓછામાં ઓછું 50 ટકા ભાડુ રાખવું પડશે.
મોટર વ્હીકલ એગ્રેગેટર માર્ગદર્શિકા 2025 જારી કરી રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રાલયે જણાવ્યું હતું કે એગ્રેગેટરને પેટા-કલમ (17.1) હેઠળ ઉલ્લેખિત બેઝ ભાડા કરતાં ઓછામાં ઓછા 50 ટકા અને ડાયનેમિક પ્રાઇસિંગના મહત્તમ બે ગણું ભાડુ વસૂલ કરવાની પરવાનગી અપાશે. સંબંધિત કેટેગરી કે મોટર વ્હિકલ માટે રાજ્ય સરકારે નોટિફાઇ કરેલું ભાડુ બેઝ ભાડું ગણાશે. હાઇવે મંત્રાલયે ત્રણ મહિનામાં આ સુધારેલી ગાઇડલાઇનનો અમલ કરવા રાજ્યોને સલાહ પણ આપી છે.
ગાઇડલાઇનમાં જણાવાયું છે કે જો એગ્રેગેટર માન્ય કારણ દર્શાવ્યા વગર રાઇડ રદ કરશે તો ડ્રાઇવર પર ભાડાના 10 ટકા અથવા મહત્તમ રૂ.100ની પેનલ્ટી લાગુ પડશે. જો મુસાફર કોઈ માન્ય કારણ વગર ટ્રીપ રદ કરશે તો તેમના પર પણ આટલી પેનલ્ટી લાગુ પડશે. કેન્દ્ર સરકાર એગ્રેગેટર તરીકે લાયસન્સ માટેની અરજીના સિંગલ-વિન્ડો ક્લિયરન્સ માટે માટે એક પોર્ટલ ઊભું કરશે. લાઇસન્સ મેળવવા માટે એગ્રેગેટર રૂ 5 લાખની ફી ચુકવવી પડશે અને લાઇસન્સ તેના ઇશ્યૂની તારીખથી પાંચ વર્ષના સમયગાળા માટે માન્ય રહેશે.
નવી ગાઇડલાઇન મુજબ એગ્રેગેટર્સે ડ્રાઇવરો માટે ઓછામાં ઓછા રૂ.5 લાખનો હેલ્થ ઇન્શ્યોરન્સ અને રૂ.10 લાખ લાખનો ટર્મ ઇન્શ્યોરન્સ ફરજિયાત લેવો પડશે. મુસાફરોની ફરિયાદોના નિકાલ માટે કંપનીઓએ ગ્રીવન્સ ઓફિસર નિયુક્ત કરવા પડશે. કેબ સર્વિસ કંપનીઓ તેમના કાફલામાં આઠ વર્ષથી વધુ જુના વ્હિકલો રાખી શકશે નહીં.
મુસાફરોની સલામતી કંપનીઓએ વ્હિકલ લોકેશન એન્ડ ટ્રેકિંગ ડિવાઇસ (VLTD) ઇન્સ્ટોલ કરવી પડશે અને તે ડિવાઇસ હંમેશા કાર્યરત રહે તેની પણ ખાતરી કરવી પડશે. વધુમાં કેબ એગ્રેગેટર્સે ખાતરી કરવી પડશે કે ડ્રાઇવર ઇન-બિલ્ટ મિકેનિઝમ દ્વારા એપ્લિકેશનમાં દર્શાવેલ રૂટને અનુસરે. જો ડ્રાઇવર્સ બીજા રૂટ પર જાય તો એપ્લિકેશન મારફત કંટ્રોલ રૂમને સિગ્નલ અપાશે. આ કંટ્રોલ રૂમ પછી તરત ડ્રાઇવર અને પેસેન્જરનો સંપર્ક કરશે.
