ટેક્સાસમાં આકસ્મિક તોફાન સાથે થોડા જ સમયમાં 15 ઇંચ વરસાદને પગલે આવેલા ફ્લેશ ફ્લડથી ભારે તારાજી સર્જાઈ હતી. અચાનક આવેલા પૂરને કારણે 15 બાળકો સહિત ઓછામાં ઓછા 43 લોકોના મોત થયાં હતાં અને ડઝનેક લોકો ગુમ થયા હતાં. ફ્લેશ ફ્લડના પાણી રસ્તા અને લોકોના ઘરોમાં ઘુસી ગયાં હતાં અને ઘરવખરી સહિતની અનેક વસ્તુઓને ઢસડીને નદીમાં લઈ ગયાં હતાં. કારો સહિતના અનેક વાહનો પણ તણાયા હતાં.
અધિકારીઓએ જણાવ્યું હતું કે કેર કાઉન્ટીમાં મુખ્ય દુર્ઘટના સ્થળની બહારના વિસ્તારો પૂરથી પ્રભાવિત થયા હોવાથી મૃત્યુઆંકમાં વધારો થવાની ધારણા છે. ટ્રેવિસ કાઉન્ટીના એક અધિકારીએ પૂરથી ચાર લોકોના મોત અને 13 લોકો ગુમ થયા હોવાની પુષ્ટી આપી હતી. કેટલાક મીડિયામાં 52 લોકોના મોતનો આંકડો આવ્યો હતો.
સાન એન્ટોનિયોથી લગભગ 85 માઇલ (140 કિમી) ઉત્તરપશ્ચિમમાં ગુઆડાલુપે નદીની આસપાસના વિસ્તારમાં અચાનક આવેલા વાવાઝોડાથી 15 ઇંચ (38 સેમી) સુધી વરસાદ પડ્યો હતો અને તેનાથી આવેલા પૂરમાં તણાયેલા 850થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતાં, જેમાં કેટલાક લોકો બચવા માટે ઝાડને ચોંટી રહ્યાં હતાં. કેમ્પ મિસ્ટિક સમર કેમ્પની 27 યુવતીઓ ગુમ થઈ હતી. પૂર આવ્યું ત્યારે આ કેમ્પમાં આશરે 700 યુવતીઓ હાજર હતી.
આગાહી કરતાં વધુ ભારે વરસાદને કારણે નદીનું જળસ્તર વધીને ઝડપથી 29 ફૂટ (9 મીટર) સુધી પહોંચી ગયા પછી ટેક્સાસમાં શુક્રવારે આ અભૂતપૂર્વ કુદરતી આપત્તિ સર્જાઈ હતી. ટેક્સાસના લેફ્ટનન્ટ ગવર્નર ડેન પેટ્રિકે જણાવ્યું હતું કે નદી કિનારે સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે અનેક લોકો એકઠા થયા હતા ત્યારે આ પૂર આવ્યું હતું.
