કેનેડાની વિવિધ કોલેજોમાં ભારતીય વિદ્યાર્થીઓના પ્રવેશ લેવાના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થવાના કારણે રોજગારી ગંભીર સમસ્યા ઊભી થઇ છે. આ સ્થિતિમાં સંસ્થાઓને 10,000 જેટલી ફેકલ્ટી અને સહયોગી કર્મચારીઓની છટણી કરવાની ફરજ પડી છે. ઓન્ટારિયો પબ્લિક સર્વિસ એમ્પ્લોઇઝ યુનિયન (OPSEU)ના રીપોર્ટ મુજબ, શિક્ષણ, વહીવટી અને સહાયક તરીકેની નોકરીમાં વ્યાપક કાપ મુકવામાં આવ્યો છે. કેનેડાની કોલેજો વિદેશી વિદ્યાર્થીઓની ટ્યુશન ફી પર વધુ નિર્ભર રહે છે, અને તેમાં પણ ભારતીય વિદ્યાર્થીઓ પર વધુ આધારિત હોય છે.
આ વર્ષની શરૂઆતમાં ફેડરલ સરકારે સ્ટુડન્ટ વિઝા સંખ્યાને મર્યાદિત કરી હોવાથી વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશમાં ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા પાછળ સરકારનો હેતુ હાઉસિંગ અને જાહેર સર્વિસીઝ પર દબાણ ઓછું કરવાનો હતો. જોકે, આ ઘટાડાથી કોલેજો માટે અનિચ્છિનીય પરિણામો આવ્યા છે, જે તેમના બજેટનું સમતોલન જાળવવા માટે વિદેશી વિદ્યાર્થીઓ પર ખૂબ જ આધારિત હોય છે. કેનેડામાં આ ફેડરલ મર્યાદાને કારણે નવા વિદેશી વિદ્યાર્થીઓના આગમનમાં નાટ્યાત્મક ઘટાડો થયો છે, જેમાં ભારતીય વિદ્યાર્થીઓને સૌથી વધુ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ઓન્ટારિયોની ઘણી કોલેજોમાં ભારતીય વિદ્યાર્થીઓ વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યાના અડધાથી વધુનો હિસ્સો ધરાવે છે અને કોલેજોની શૈક્ષણિક આવકમાં નોંધપાત્ર યોગદાન આપે છે. ઇમિગ્રેશન કેનેડાના રીપોર્ટ મુજબ, OPSEUના પ્રેસિડેન્ટ જેપી હોર્નિકના જણાવ્યા પ્રમાણે, ‘વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થવાના કારણે કોલેજ સ્ટાફ પર ગંભીર નુકસાનકારક અસર થઇ રહી છે.’
