અમેરિકા દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય નાગરિકોને આપવામાં આવતા સ્ટુડન્ટ વિઝાની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડો કોવિડ-19 મહામારી પછી માર્ચથી મે મહિનાના સમયગાળા દરમિયાન સૌથી નીચા સ્તરે પહોંચી ગયો હોવાનું યુએસ સ્ટેટ ડીપાર્ટમેન્ટ દ્વારા નવા જાહેર કરાયેલા ડેટામાં જણાયું હતું. આ વર્ષે માર્ચથી મે મહિના દરમિયાન ફક્ત 9,906 ભારતીય વિદ્યાર્થીઓને F-1 (શિક્ષણ માટેના) વિઝા આપવામાં આવ્યા હતા, જે ગત વર્ષના આ સમાન સમયગાળા કરતા 27 ટકા નો તીવ્ર ઘટાડો દર્શાવે છે. 2024માં 15 હજાર જેવા સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા હતા. આ સંખ્યા 2022માં આવા જ સમયગાળા દરમિયાન આપવામાં આવેલા આવા 10,894 વિઝા કરતાં પણ ઓછી છે, તે એવો સમયગાળો હતો જ્યારે વિશ્વભરના લોકોએ મહામારીના કાળની અડચણોમાંથી બહાર આવવાનું શરૂ કર્યું હતું. આ ઘટાડો એવા વખતે જોવા મળ્યો છે, જ્યારે સ્ટુડન્ટ વિઝાની કાર્યવાહી માટે સામાન્ય રીતે સૌથી વ્યસ્ત સમય હોય છે. કારણ કે હજારો ભારતીય વિદ્યાર્થીઓ આ પ્રક્રિયા પછી અમેરિકામાં અભ્યાસ શરૂ કરવાની તૈયારી કરે છે.
જ્યારે કેટલાક લોકો આ ઘટાડા માટે દેશમાં પ્રેસિડેન્ટ પદે ફરીથી સત્તારૂઢ થયેલા ડોનાલ્ડ ટ્રમ્પની નીતિને જવાબદાર માને છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ટ્રમ્પ સંપૂર્ણ સત્તામાં હતા ત્યારે ભારતીય વિઝા ઇચ્છુકોને F-1 વિઝા ઇસ્યુ કરવામાં વાર્ષિક ધોરણે 30 ટકા ઘટાડો થયો હતો, જે ફેબ્રુઆરી 2024માં 590થી ઘટીને 411 થયો હતો. ભારતમાં અમેરિકન એમ્બેસીએ આ ઘટાડાને સ્વીકારીને વિઝા આપવામાં વિલંબ માટે વધુ કડક તપાસ અને સુરક્ષાની નીતિનું કારણ રજૂ કર્યું હતું.
