એક સર્વેમાં જણાવ્યા મુજબ, જે કંપનીઓમાં મહિલા કર્મચારીઓની સંખ્યા વધુ હોય તે અન્યની સરખામણીમાં 50 ટકા વધુ નેટ પ્રોફિટ કરે છે. એચઆર એડવાઈઝરી ફર્મ માર્ચિંગ શીપના અધ્યયન પ્રમાણે 10માંથી 8 ઈન્ડસ્ટ્રીઝમાં મહિલાઓની હાજરી અને નેટ પ્રોફિટ વચ્ચે સકારાત્મક સંબંધ જોવા મળ્યો છે. સૌથી ડાઈવર્સ કંપનીઓ ઓછી ડાઈવર્સ કંપનીઓ કરતાં 50 ટકા વધુ નેટ પ્રોફિટ દર્શાવે છે. આ અભ્યાસમાં આ કંપનીએ મેન્યુફેક્ચરિંગ, સ્ટીલ, બીએફએસઆઈ, ફાર્મા, એફએમસીજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અને આઈટી સહિત 30 ઈન્ડસ્ટ્રીઝની 840 લિસ્ટેડ કંપનીઓના ડેટાનું એનાલિસીસ કર્યું હતું. સ્ટડીમાં વધુમાં દર્શાવાયું હતું કે ભારતીય કોર્પોરેટ જગતમાં હજુ સર્વ સમાવેશકતા હોવી જોઈએ તેના કરતાં ઘણી ઓછી છે. ખાસ કરીને ઉચ્ચ પદો પર ઘણી ઓછી છે. સર્વે મુજબ કંપનીઓના બોર્ડમાં મહિલાઓની ચોક્કસ હાજરી ફરજિયાત હોવાને કારણે તેમની નોંધ લેવામાં આવે છે, પરંતુ મહત્વના પદ પર તેમની હાજરી ઘણી ઓછી જોવા મળે છે. સર્વેમાં સમાવાયેલી કંપનીઓ પૈકી 63.45 ટકા કંપનીઓમાં કી મેનેજરિયલ પોઝિશન્સ (KMPs) પર મહિલાઓની સંખ્યા ઝીરો હતી. પીરિયોડિક અર્બન લેબર ફોર્સ સર્વે 2023-24માં દર્શાવ્યું છે કે મહિલાઓને 28 ટકા નોકરી મળે છે, પરંતુ કોર્પોરેટ જગતમાં 22 ટકા જ મહિલાઓને નોકરી મળે છે. આમ, આ બે ડેટા વચ્ચે 6 ટકાનો ગેપ છે.
