ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરની આ સપ્તાહે બેઇજિંગની મુલાકાત પહેલા ચીને રવિવારે જણાવ્યું હતું કે દલાઈ લામાના ઉત્તરાધિકારી જેવા તિબેટ સંબંધિત મુદ્દાઓ દ્વિપક્ષીય સંબંધોમાં કાંટો છે, જે નવી દિલ્હી માટે બોજરૂપ પણ છે. ભારત તિબેટ કાર્ડ રમીને પોતાના પગ જ કુહાડો મારી રહ્યું છે.
રવિવારે ચીની દૂતાવાસના પ્રવક્તા યુ જિંગે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ભૂતપૂર્વ અધિકારીઓ સહિત વ્યૂહાત્મક અને શૈક્ષણિક સમુદાયના સભ્યોએ દલાઈ લામાના પુનર્જન્મ અંગે અયોગ્ય ટિપ્પણીઓ કરી હતી. આવા પ્રોફેશનલ ઝિઝાંગ સંબંધિત મુદ્દાઓની સંવેદનશીલતાથી સંપૂર્ણપણે વાકેફ હોવા જોઈએ. ચીન તિબેટને ઝિઝાંગ તરીકે ઓળખાવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દલાઈ લામાના ઉત્તરાધિકાર સ્વાભાવિક રીતે ચીનનો આંતરિક મામલો છે, જેમાં કોઈપણ બાહ્ય પક્ષોનો હસ્તક્ષેપ સહન કરાશે નહીં. વાસ્તવમાં ઝિઝાંગ સંબંધિત મુદ્દો ચીન-ભારત સંબંધોમાં એક કાંટો છે અને ભારત માટે એક બોજ બની ગયો છે. ‘ઝિઝાંગ કાર્ડ’ ચોક્કસપણે પોતાને પગમાં ગોળી મારવા સમાન છે.
2020માં ભારત અને ચીન વચ્ચેની ઘાતકી લશ્કરી અથડામણ પછી ચીનની જયશંકરની આ પ્રથમ ચીન મુલાકાત છે.
વાસ્તવિક અંકુશ રેખા (LAC)ના લદ્દાખ સેક્ટરમાં લશ્કરી મડાગાંઠને કારણે દ્વિપક્ષીય સંબંધો છ દાયકામાં સૌથી નીચા સ્તરે પહોંચ્યા હતાં. ગયા વર્ષે ઓક્ટોબરમાં લદ્દાખમાંથી બંને દેશોના સૈનિકોની વાપસી પછી બંને દેશો હાલમાં તેમના સંબંધોને સામાન્ય બનાવવાના પ્રયાસ કરી રહ્યાં છે. જોકે આ પછી બૌદ્ધ ધર્મના સર્વોચ્ચ વડા દલાઈ લામાના સંભવિત ઉત્તરાધિકારીના મુદ્દે સંબંધોને અસર થઈ હતી. 9 જુલાઈ 90મા જન્મદિવસ પહેલા દલાઈ લામાએ જાહેરાત કરી હતી કે તેમના દ્વારા સ્થાપિત ટ્રસ્ટ જ તેમના ઉત્તરાધિકારીની પસંદગી કરી છે. દલાઈ લામાની આ ટીપ્પણીને કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ સમર્થન આપ્યું હતું. તેની ચીને આકરી પ્રતિક્રિયા આપીને જણાવ્યું હતું કે દલાઈ લામાના ઉત્તરાધિકારી માટે ચીની સરકારની મંજૂરી લેવી પડશે.
