ગુજરાતના બોટાદ જિલ્લામાં ગોધવાટા ગામ નજીક BAPSના 7 હરિભક્તોને લઇને જતી એક કાર કોઝવેમાં તણાઈ જતાં એક બાળક અને એક વૃદ્ધનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું અને અન્ય એક વ્યક્તિ ગુમ થયો હતો, જે સ્વામિનારાયણ સંત હોવાનું માનવામાં આવે છે. કાર બોચાસનથી જિલ્લાના સાળંગપુર જઈ રહી ત્યારે આ રવિવારની મધ્યરાત્રિએ આ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનાને પગલે BAPS સંપ્રદાય અને સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
બરવાળાના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) સંજય ચૌધરીએ જણાવ્યું હતું કે સાત હરિભક્તોને લઈને જતી કાર પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે કોઝવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે તે તણાઈ ગઈ હતી. શરૂઆતમાં સ્થાનિક લોકો અને બોટાદ ફાયર ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચાર વ્યક્તિઓ તરીને સુરક્ષિત બહાર નીકળવામાં સફળ રહ્યાં હતાં, જ્યારે બે વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતાં અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતાં.
એક વ્યક્તિ ગુમ થયો હતો અને શોધખોળ માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકોની ઓળખ કૃષ્ણકાંત પંડ્યા (60) અને પ્રબુદ્ધ કાછિયા (9) તરીકે થઈ હતી.આ દુર્ઘટનામાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના બે હરિભક્તોના કરુણ મોત થતાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
