ઈંગ્લેન્ડ
(BCCI X/ANI Photo)

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે સોમવારે (14 જુલાઈ) એ લોર્ડ્સ ખાતેની ત્રીજી ટેસ્ટ મેચના છેલ્લા દિવસે ભારે રસાકસી પછી ઈંગ્લેન્ડે ભારતને 22 રને હરાવી પાંચ ટેસ્ટ મેચની આ સીરીઝમાં 2-1ની સરસાઈ મેળવી હતી. ભારતે ઈંગ્લેન્ડને બીજી ઈનિંગમાં રવિવારે ફક્ત 192 રનમાં ઓલાઉટ કરી દીધું હતું, તો રવિવારે જ 58 રનમાં ભારતની ચાર વિકેટ ખેરવી ઈંગ્લેન્ડે પણ મજબૂત સંઘર્ષના સંકેતો આપી દીધા હતા. એ પછી સોમવારે રવીન્દ્ર જાડેજાની લડાયક ઈનિંગ છતાં ભારત 170 રનમાં ઓલાઉટ થઈ જતાં યજમાન ટીમનો 22 રને રોમાંચક વિજય થયો હતો.

ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગમાં જો રૂટની સદી અને જેમી સ્મિથ તથા બ્રાયડન કાર્સની અડધી સદીઓ તેમજ સુકાની બેન સ્ટોક્સના 44 રન મુખ્ય હતા, તો ભારત તરફથી જસપ્રીત બુમરાહે પાંચ, સિરાજ અને રેડ્ડીએ બે-બે તથા જાડેજાએ એક વિકેટ લીધી હતી.

ભારત તરફથી પહેલી ઈનિંગમાં કે. એલ. રાહુલે સદી તેમજ ઋષભ પંતે 74 અને જાડેજાએ 72 રન કર્યા હતા, તો ઈંગ્લેન્ડ તરફથી વોક્સે 3, આર્ચર અને સ્ટોક્સે બે-બે તથા કાર્સ અને બશીરે એક-એક વિકેટ લીધી હતી.

ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં જો રૂટે 40, બેન સ્ટોક્સે 33 અને હેરી બ્રૂક્સે 23 રન કર્યા હતા, તો ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે ચાર, બુમરાહ અને સિરાજે બે-બે તથા રેડ્ડી અને આકાશ દીપે એક-એક વિકેટ લીધી હતી. તો ભારતની બીજી ઈનિંગમાં જાડેજાએ 181 બોલ રમી અણનમ 61 કર્યા હતા, પણ તે સિવાય ફક્ત રાહુલે 39 કર્યા હતા, તે સિવાયના ટોપ ઓર્ડરના બેટર્સનો દેખાવ નામોશીજનક રહ્યો હતો.

જાડેજા કરતાં આગળના ક્રમના તમામ છ બેટર્સ કુલ 140 બોલ રમ્યા હતા, તેની સામે જાડેજાનો સંઘર્ષ વધુ લાંબો રહ્યો હતો. રાહુલની 58 બોલની ઈનિંગ પછી બુમરાહે 54 બોલ અને નિતિશ કુમાર રેડ્ડીએ 53 બોલ રમી ઈંગ્લેન્ડના બોલર્સનો પ્રતિકાર કર્યો હતો. સિરાજ પણ 30મા બોલે આઉટ થયો હતો.

પ્રથમ ઇનિંગમાં ભારત તરફથી રિષભ પંતે 74 રન, કેએલ રાહુલે સદી અને રવિન્દ્ર જાડેજાએ 72 રન બનાવ્યા હતાં. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે ૮૪ રનમાં ૩ વિકેટ ઝડપી હતી, જ્યારે જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સે બે-બે વિકેટ લીધી હતી.ભારત તરફથી જસપ્રીત બુમરાહ 74 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. નીતિશ કુમાર રેડ્ડી અને મોહમ્મદ સિરાજને બે બે વિકેટ મળી હતી.

બંને દેશો વચ્ચે પાંચ ટેસ્ટની શ્રેણીની પહેલી મેચ લીડ્સમાં રમાઈ હતી, જેમાં યજમાન ટીમે 5 વિકેટથી જીત મેળવી હતી. બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે શાનદાર વાપસી કરી હતી એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડને 336 રનથી હરાવીને પાંચ મેચની શ્રેણી 1-1થી બરાબર કરી હતી. હવે આ લોર્ડ્સ ટેસ્ટમાં વિજય સાથે ઇંગ્લેન્ડ સિરિઝમાં 2-1ની સરસાઈ મેળવી છે.

LEAVE A REPLY