સિંગાપુર સતત ત્રીજા વર્ષે વૈભવી વસ્તુઓ પાછળ ખર્ચ મુદ્દે વિશ્વમાં સૌથી મોંઘું શહેર બની રહ્યું છે જ્યારે લંડને હોંગકોંગને પાછળ હડસેલીને આ યાદીમાં બીજુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. તેના પછી મોનાકો અને ઝ્યૂરીકનો નંબર આવે છે. 2022માં ટોચના સ્થાને રહેલ ચીનનું શહેર શાંઘાઇ બે ક્રમ નીચે ઉતરીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. સ્વિસ વેલ્થ મેનેજર જૂલિયસ બેયર ગ્રુપ લિમિટેડે પ્રસિદ્ધ કરેલા વાર્ષિક રીપોર્ટમાં આ વિગતો રજૂ થઈ છે.
2020માં આ સર્વે શરૂ કરાયો તે પછી પહેલીવાર લક્ઝરી ગુડ્સ માટે બાસ્કેટ આધારિત કિમતનું ટ્રેકિંગ 2 ટકા ઘટ્યું છે અને જુલિયસ બેયરે આ ઘટનાક્રમ એકદમ અભૂતપૂર્વ ગણાવ્યો છે, કારણ કે હાઇ એન્ડ કન્ઝ્યુમર પ્રાઇઝિસ સરેરાશ ગ્રાહક કિંમતની તુલનામાં બમણી વધી છે. સ્વિસ બેન્કના હેડ રીસર્ચર ક્રિશ્ચન ગેટ્ટીકરના મતે વર્તમાન અનિશ્ચિતતા, વેપાર ટેન્શન અને ટેરિફ મુદ્દે ચાલતી મથામણ વચ્ચે અમારા તારણો વર્તમાન પરિસ્થિતિ પહેલાની અંતિમ પળો રજૂ કરે છે.
આગામી વર્ષનો રીપોર્ટ સંભવતઃ વધારે રસપ્રદ રહેશે. વિશ્વની હાલની અકળ પ્રકૃતિ સાથે સિંગાપુર તેની સ્થિરતા અને સુરક્ષા માટે જાણીતું છે જ્યારે હોંગકોંગમાં તેના તાજેતરના ઇન્વેસ્ટમેન્ટ ફોર રેસિડેન્સી પ્રોગ્રામે ધનિક લોકોમાં રસ જાગૃત કર્યો છે. સિંગાપુરમાં હોટલ સ્યુટની કિંમતો 10.3 ટકા વધી છે જ્યારે હોંગકોંગમાં તે 26.1 ટકા ઘટી છે. સ્વિસ બેન્કના મતાનુસાર બ્રિટનમાં કાનૂની ફેરફારો થયા પછી ખાનગી શિક્ષણના ખર્ચમાં 26.6 ટકાનો ઉછાળો નોંધાયો છે અને બિઝનેસ ક્લાસની ફ્લાઇટ ટિકિટો પણ 29.7 ટકા જેટલી વધારે મોંઘી બની છે જેના કારણે લંડનમાં વૈભવી વસ્તુઓની ખરીદી મોંઘી બની છે.
