વેસ્ટ મિડલેન્ડ્સના વોલસોલના પાર્ક હોલ વિસ્તારમાં શનિવારે મોડી સાંજે ભારતીય મૂળની 20 વર્ષીય યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવતા વ્યાપક આક્રોશ ફેલાયો છે. ભોગ બનેલી મહિલા પરના આ રેસીસ્ટ હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
તાત્કાલિક જાહેર અપીલ જારી કરાયા પછી મળેલા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ અધિકારીઓએ સોમવારે વહેલી સવારે બર્મિંગહામના પેરી બાર વિસ્તારમાંથી 32 વર્ષીય પુરુષની ધરપકડ કરી હતી જે હવે પોલીસ કસ્ટડીમાં છે અને આ કેસના સંદર્ભમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
તપાસનું નેતૃત્વ કરી રહેલા ડિટેક્ટીવ સુપરિન્ટેન્ડેન્ટ રોનન ટાયરરે ગંભીર ચિંતાજનક ગુનાની તપાસમાં ધરપકડને “નોંધપાત્ર વિકાસ” ગણાવી હતી.
પોલીસે કહ્યું હતું કે તેમની પ્રાથમિકતા પીડિતાને ટેકો આપવાની છે અવે તેણીને તપાસ અને ધરપકડની જાણ કરવામાં આવી છે. તેણીને નિષ્ણાત અધિકારીઓ પાસેથી સતત સહાય મળી રહી છે.
શંકાસ્પદ વ્યક્તિ 30 વર્ષનો શ્વેત પુરુષ હોવાનું જણાવાયું છે જેના વાળ ટૂંકા હતા અને તે સમયે તેણે ડાર્ક કલરના કપડાં પહેર્યા હતા.
આ બનાવને પગલે શીખ સમુદાય અને સ્થાનિક નેતાઓમાં વ્યપક ઉશ્કેરાટ ફેલાયો છે. ભારતીય સમુદાયમાં તણાવ વધી રહ્યો છે અને પોલીસ અધિકારીઓએ રહેવાસીઓને ખાતરી આપવા માટે પોલીસ હાજરી વધારવા અને વધુ સક્રિયતાનું વચન આપ્યું છે.
પોલીસે જણાવ્યું છે કે તેઓ આ ઘટનાને અન્ય ગુનાઓ સાથે જોડી રહ્યા નથી, જોકે અનેક માર્ગોની તપાસ કરાઇ રહી છે. પોલીસે જનતાને કોઈપણ સંબંધિત CCTV ફૂટેજ, ડેશકેમ રેકોર્ડિંગ અથવા સાક્ષીઓને આગળ આવવા વિનંતી કરી છે.
શીખ ફેડરેશન યુકેએ જણાવ્યું હતું કે “વોલસોલમાં જાતિગત રીતે ઉગ્ર બળાત્કારનો ભોગ બનેલી યુવતી એક પંજાબી મહિલા છે. હુમલાખોરે તેના ઘરનો દરવાજો તોડી નાખ્યો હતો. વેસ્ટ મિડલેન્ડ્સમાં છેલ્લા બે મહિનામાં 20 વર્ષની વયની યુવતીઓ પર જાતિગત રીતે ઉગ્ર બળાત્કારની બે ઘટનાઓ બની છે અને જવાબદારોને તાત્કાલિક શોધવાની જરૂર છે.”
ગયા મહિને ઓલ્ડબરીમાં એક બ્રિટિશ શીખ મહિલા પર જાતિગત રીતે ઉગ્ર બળાત્કારની તપાસમાં શંકાસ્પદોને જામીન પર મુક્ત કરતા પહેલા ફોર્સે કેટલીક ધરપકડો કરી હતી.
બર્મિંગહામ એજબેસ્ટનના શીખ સાંસદ પ્રીત કૌર ગિલે જણાવ્યું હતું કે “વોલસોલમાં વધુ એક જાતિગત રીતે ઉગ્ર બળાત્કાર વિશે સાંભળીને ખૂબ જ આઘાત અને દુઃખ થયું છે. ઓલ્ડબરીમાં એક શીખ છોકરી પર જાતિગત રીતે ઉગ્ર બળાત્કાર અને હેલેસોવેનમાં એક મહિલા પર બળાત્કારના ભયાનક અહેવાલો પછી આ ઘટના બની છે. આપણા પ્રદેશમાં મહિલાઓ સામે વારંવાર થતી હિંસા, નફરત અને જાતિગત અભિવ્યક્તિઓથી ભરેલી, ખૂબ જ ચિંતાજનક છે.”
સ્લાઉના લેબર સાંસદ તનમનજીત સિંહ ઢેસીએ જણાવ્યું હતું કે “ઓલ્ડબરીમાં આઘાતજનક જાતિગત રીતે ઉગ્ર બળાત્કાર પછી વોલસોલમાં બીજો બનાવ બન્યો છે. અમે પીડિતા વિશે વિચારી રહ્યા છીએ અને જ્યારે વધુ લોકો અસુરક્ષિત અનુભવી રહ્યા છે ત્યારે પોલીસે મદદ કરવાની જરૂર છે.’’














