ઇરાનમાં બંધક બનાવાયેલા ચાર ગુજરાતીઓને સરકારની દરમિયાનગીરી પછી મંગળવાર, 28 ઓક્ટોબરે મુક્ત કરાયા હતા અને તેઓ ભારત આવવા માટે નીકળી ગયાં હતા અને પોતાના વતનમાં આવી પહોંચ્યાં હતાં.
અગાઉ કથિત રીતે ગેરકાયદે ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા એક મહિલા સહિત 4 ગુજરાતીનું ઈરાનના તહેરાનમાં ટ્રાવેલ એજન્ટોએ કથિત રીતે અપહરણ કરી રૂ.2 કરોડની ખંડણી માગી માગી હતી. ચારેય લોકો ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામના હતાં. માણસાના ધારાસભ્ય જયંતિભાઈ પટેલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ચૌધરી અજયકુમાર કાંતિભાઈ, ચૌધરી પ્રિયાબહેન અજયકુમાર, ચૌધરી અનિલકુમાર રઘજીભાઈ અને ચૌધરી નિખીલ રમણભાઈ ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યાં હતાં. તેમને પ્રથમ દિલ્હી લઈ જવાયા હતા અને તે પછી એમીરેટ્સ એરલાઈન્સ મારફતે બેંગકોક, દુબઈ અને ઈરાનના તહેરાન લઈ જવામાં આવ્યા હતા. જેમાં તહેરાનના ઈમામમાં ખામેનીની ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયા બાદ ચારેય ગુજરાતીનું ટેક્સીમાં અપહરણ કરીને અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા હતા.
અપહરણ કરનારા આરોપીઓએ ભોગ બનનારા લોકોને મારતા હોય તેવો વીડિયો વોટ્સએપમાં શેર કર્યો હતો અને બે કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી.
એક અપહરણકર્તાએ પોતાને ‘બાબા’ તરીકે ઓળખાવીને ગુજરાતમાં પીડિત પરિવારોનો સંપર્ક કર્યો હતો અને 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી.
આ સમગ્ર ઘટનામાં સ્થાનિક ટ્રાવેલ એજન્ટ અને દિલ્હી સ્થિત અન્ય એક એજન્ટની સંડોવણી હોવાનું માનવામાં આવે છે. સ્થાનિક એજન્ટની ભૂમિકા અનિશ્ચિત રહી છે, પરંતુ દિલ્હી સ્થિત એજન્ટ અપહરણ સાથે સંકળાયેલો હોવાની શંકા છે.












